<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

સ્માર્ટફોન રાવણરૂપી રાક્ષસ છે, ઘર-ઘરમાં રાવણ નહીં, રામ પેદા કરવા જોઈએ :સરકાર ટૂંક સમયમાં SoP જાહેર કરશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

સ્માર્ટફોન રાવણ રૂપી રાક્ષસ...બાળકોને સોશિયલ મીડિયા અને મોબાઈલથી દૂર રાખવા માતા-પિતા અને શિક્ષકોને શિક્ષણ મંત્રીની અપીલ

અમદાવાદ :ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં આજવા રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતેથી કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની અંદાજિત 18 કરોડના ખર્ચે તૈયાર થયેલ 6 નવી શાળાનું લોકાર્પણ કરવાની સાથે 36 કરોડના ખર્ચે બનનાર 12 નવી શાળાના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે તેમણે બાળકો દ્વારા વધી રહેલા મોબાઈલના ઉપયોગને લઈને મોટું નિવેદન આપ્યું છે.

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયાને દૂષણ ગણાવતા જણાવ્યું કે, સ્માર્ટફોન રાવણરૂપી રાક્ષસ છે, જે આજે દરેક ઘરમાં છે. આથી ઘર-ઘરમાં રાવણ નહીં, રામ પેદા કરવા જોઈએ. માતા-પિતા અને શિક્ષકો બાળકને સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોનથી દૂર રાખે.

વધુમાં કુબેર ડિંડોરે જણાવ્યું કે, 52 કરોડના ખર્ચે આજે નવીન શાળાનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે. સરકાર નું લક્ષ્ય તમામ ભૌતિક સુવિધા આપવાનું છે. 50 હજાર ઓરડાઓ બાંધવા સામે 25 હજારથી વધુ ઓરડા બાંધવાનું લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યું છે

આ સાથે જ FRCનું ઉલ્લંઘન કરતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વખતે સરકારે પોર્ટલ ખોલ્યું છે, તેમાં જ એપ્લાય કરવાનું છે. હવે FRC માટે માત્ર 10 ટકા જ શાળાઓ જશે. FRC તમામ પાસા ચકાસી ફી નક્કી કરતી હોય છે. જો FRCનુ ઉલ્લંઘન કરે, તો દંડની કાર્યવાહી કરશે તેમજ પરવાનો પણ રદ કરાશે.

અત્યારે 31,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ જ છે. 1 જૂન સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જે પૈકી કચ્છ જિલ્લા માટે 3100 જેટલા શિક્ષકોની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે

(11:16 PM IST)