<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

અમદાવાદના સરદારનગરમાં અજાણ્યા શખ્શના મોતનો ભેદ ઉકેલાયો : પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

મૃતકને લાકડી અને ફેંટાથી ઇજાઓ પહોંચાડી હતી :સારવાર દરમ્યાન મોતને ભેટ્યો હતો

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાંથી મળી આવેલા એક અજાણ્યા શખ્શની શંકાસ્પદ હાલતમાં થયેલા મોતની ઘટનાનું રહસ્ય ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યું છે. મૃતકની ઓળખ 23 વર્ષીય જગારામ સખારામ પાટીલ તરીકે થઈ છે. મૃતકને લાકડી અને ફેંટાથી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી, જે બાદ તે સારવાર દરમ્યાન મોતને ભેટ્યો હતો. હવે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 

ગત 24 ફેબ્રુઆરીના રોજ સરદારનગર વિસ્તારમાં અજાણ્યા મૃતકનો કેસ અકસ્માત મોત તરીકે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરેલી ઊંડી તપાસમાં આ મોત પાછળ ચાર શખ્સોની સંડોવણી બહાર આવી છે. આ આરોપીઓએ મળીને સરદારનગરમાં મધુસુદન કોમ્પલેક્ષ પાસે યુવક પર હુમલો કર્યો હતો. મૃતક પર લાકડી અને ફેંટોથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ત્યાર બાદ યુવકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું હતું.

આ મામલે હસમુખ ઉર્ફે ભરત પહાડીયા નાસીર હુસેન ઉર્ફે મામા, દુર્ગેશ ઉર્ફે ગૌરવ કુશ્વાહ, સુનીલ ઉર્ફે શિવા સહિત આરોપીઓએ ગુનાની કબુલાત કરી છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આરોપીઓ સામે અગાઉથી પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં તેઓ કેટલાક પાસા હેઠળ પણ અટકાયતમાં રહી ચૂક્યા છે.

ક્રાઈમ બ્રાચે મળતિયાની ઓળખ, હુમલાનું કારણ અને આરોપીઓની પૃષ્ઠભૂમિની સંપૂર્ણ તપાસ કરી છે. આરોપીઓ વિરૂદ્ધ વધુ કાર્યવાહી ચાલી રહી છે.

આ કેસના પર્દાફાશથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી ફરી એક વખત ચર્ચામાં આવી છે. હાલ આરોપીઓને સરદારનગર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે.

(11:36 PM IST)