News of Friday, 11th April 2025
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીને લાગશે બ્રેક : હવામાનમાં આવશે પલટો : બે દિવસ 10થી વધુ જિલ્લામાં ઝાપટા પડશે
- સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 20 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે: દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ 35 થી 45 કિમીની રહી શકે : પરેશ ગોસ્વામીની આગાહી

અમદાવાદ :ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં આજે સિઝનમાં પહેલીવાર પારો 43.3 ડિગ્રીએ પહોંચતા આકાશમાંથી અગન ગોળા વર્ષી રહ્યા હોય, તેવો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. જો કે આવતીકાલથી અંગ દઝાડતી ગરમીમાં બ્રેક લાગી શકે છે. હકીકતમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આવતીકાલથી હીટવેટમાં રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગે વિગતો આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, છેલ્લા 12-12 દિવસથી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં મહત્તમ તાપમાન 41 થી 44 ડિગ્રીની રેન્જમાં રહ્યું હતુ. જો કે આવતીકાલથી તેમાં ઘટાડો નોંધાવાનો છે. એટલે કે 11 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના 80 ટકા ભાગમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નીચે આવી જશે. 10 થી 15 ટકા ભાગો એવા હશે, જ્યાં તાપમાન 40 ડિગ્રી ઉપર જશે. જ્યારે બાકીના મોટાભાગમાં તાપમાન 36 થી 39 ડિગ્રીની વચ્ચે રહેશે. આથી આવનારા 5 દિવસ આપણને હીટવેવ અને ગરમીમાંથી રાહત મળશે.
આવતીકાલથી હવામાનમાં પલટો આવશે અને તાપમાન ઘટવાની સાથે-સાથે પવનની ગતિ પણ વધવાની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 20 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ 35 થી 45 કિમીની રહી શકે છે. જો કે કેટલાક વિસ્તારમાં હવાની અસ્થિરતા જોવા મલી રહી છે. આ ભેજ અને અસ્થિરતા વાળા પવનોના કારણે કેટલાક ઠેકાણે ઝાપટા પડી શકે છે.
ખાસ કરીને ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપડા પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, દ્વારકા, જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ આવતીકાલે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. જે બાદ 12 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા ડાંગ, આહવા, વલસાડ જેવા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
