<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

વડોદરામાં કાળઝાળ ગરમીમાં નપાણીયા તંત્રના વાંકે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણી ગટરમાં વહી ગયું

પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સતત પાણી વહેતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા: વાહનચાલકોને પાણીની નદીમાંથી વાહન હંકારવા પડ્યા

વડોદરા :કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં રહીશોને પીવાના પાણી માટે પૈસા ખર્ચી પાણીના જગ અને ટેન્કર મંગાવી રહ્યા છે. તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં પાલિકા તંત્રની બેદરકારીના કારણે અવારનવાર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણી ગટરમાં વહી જતું હોય છે. ત્યારે આજે શહેરમાં વધુ એક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે.

 

માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પંદન સર્કલ પાસે બે દિવસ અગાઉ આગ લાગવાની ઘટના ઘટી હતી ત્યારે આજે એ જ સર્કલ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા શુદ્ધ પીવાના પાણીના ફુવારા ઉડતા નજરે પડ્યા હતા. અને શુદ્ધ પીવાના પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સતત પાણી વહેતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા જ્યારે વાહનચાલકોને પાણીની નદીમાંથી વાહન હંકારવા પડી રહ્યા હતા.

 

ભર ઉનાળે હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર સતત વેડફાઈ રહ્યું હોવાથી સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ તંત્રને કરવામાં આવતા તાત્કાલિક પાલિકાના લાગતા વળગતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આ ભંગાણના સમારકામની કામગીરી શરૂ કરાવી હતી. પરંતુ પાલિકાના બેદરકાર ઇજનેરો હજુ સુધી પાણીની લાઈનમાં સર્જાયેલ ભંગાણનું સમારકામ કરી શક્યા નથી.

(1:25 PM IST)