News of Friday, 11th April 2025
વડોદરાના દોડકા ગામે તસ્કરો ત્રાટક્યા : છ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી
એક જ રાતમાં છ મકાનને નિશાન બનાવી લાખોની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર

વડોદરાના ભાદરવાના દોડકા ગામે તસ્કરોએ આતંક મચાવ્યો હતો. એક જ રાતમાં છ મકાનને નિશાન બનાવી રોકડ રકમ સહિત લાખોની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે ભાદરવા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી ફરાર તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
દોડકા ગામે રહેતા અને મોકસી ગામની સિમમા આવેલી સ્ટાયરેનિક્સ કંપનીમા વર્કર તરીકે નાઈટ શીફ્ટમાં નોકરી કરતા ધ્રુવેશ કુમાર પટેલ સાંજે જમી રાત્રીના કંપનીમાં નોકરી પર ગયા હતા. આ દરમિયાન તેમના ફોઈ સંગીતાબેન પટેલે ધુવેશકુમારને ફોન કરી તેમના ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવતા ધ્રુવેશ કુમાર કંપનીમાંથી ઘરે આવેલો અને ઘરે આવીને તપાસ કરતા ઘરના પાછળના બેડરૂમની બારીની લોખંડની ગ્રીલ તોડી તસ્કરો ઘરમાં પ્રવેશી બેડરૂમમાં બનાવેલ તિજોરીમાં મુકેલ સોના ચાંદીના દાગીના તેમજ 10,000 રોકડ રકમ સહિત રૂપિયા 4.90 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ધ્રુવેશ કુમાર ગામમાં તપાસ કરતા ગામના રાજેન્દ્રગીરી વિઠ્ઠઠલ ગીરી ગોસ્વામીના ઘરે પણ રાત્રીના ઘરની પાછળના રૂમની બારીની લોખંડની ગ્રીલ તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ કરી તિજોરી તથા કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત રૂપિયા 7.32 લાખની માલમતાની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ગામમાં વધુ તપાસ કરતા દોડકા ગામમાં રહેતા સંજયગીરી નારાયણગીરી ગૌસ્વામી, પ્રેમીલાબેન કાંતિભાઇ કાળીદાસ ભાઇ પ્રજાપતિ તેમજ રમણભાઇ નટુભાઈ રાઠોડના ઘરે પણ રાત્રીના તસ્કરો ઘરના પાછળનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી ફરાર થઇ જતા તમામ લોકો ભેગા મળી ભાદરવા પોલીસ મથકે પહોંચ્યા હતા અને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
