News of Friday, 11th April 2025
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહાવીર જયંતીની પૂર્વસંધ્યાએ અંગદાનની પવિત્ર સરવાણી: બે દાતાઓએ ૮ લોકોને આપ્યું નવજીવન
સિવિલના તબીબોની ૮ કલાકની અથાક મહેનતથી ૪ કિડની, ૨ લીવર, ૧ સ્વાદુપિંડ અને ૧ હૃદયનું સફળ પ્રત્યારોપણ, અત્યાર સુધીમાં ૫૯૪ લોકોને જીવનદાન

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર અંગદાન અને જીવનદાનની પવિત્ર સરવાણીનું કેન્દ્ર બની છે. મહાવીર જયંતીના પવન દિવસની પૂર્વસંધ્યાએ અને વહેલી સવારે થયેલા બે અંગદાન અને એક ગુપ્ત અંગદાન દ્વારા કુલ ૮ લોકોના જીવનને કાર્યક્ષમ બનાવવામાં હોસ્પિટલની ટીમે સફળતા હાંસલ કરી છે. આ અંગદાન થકી ૪ કિડની, ૨ લીવર, ૧ સ્વાદુપિંડ અને ૧ હૃદયનું દાન મળ્યું, જેનું પ્રત્યારોપણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, આ બે અંગદાન સાથે હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૬૧૨ અંગોનું દાન થયું છે, જેના થકી ૫૯૪ જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળ્યું છે.
પ્રથમ અંગદાનની વાત કરીએ તો, હિંમતનગર, સાબરકાંઠાના ૪૧ વર્ષીય ભદ્રશીલાબેનને ૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બાઇક સ્લિપ થવાને કારણે માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમને ૮ એપ્રિલે સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ૯ એપ્રિલે ડૉક્ટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા. હોસ્પિટલના કાઉન્સેલર્સ અને અંગદાન ટીમે તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું, જે બાદ તેમના પતિએ ઉમદા નિર્ણય લઈને અંગદાનની સંમતિ આપી. આ નિર્ણયથી ભદ્રશીલાબેનની ૨ કિડની, ૧ લીવર, ૧ સ્વાદુપિંડ અને ૧ હૃદયનું દાન મળ્યું, જેનાથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું.
બીજા અંગદાનનો કિસ્સો અમદાવાદના ૨૫ વર્ષીય યુવાનનો છે, જેને પડી જવાને કારણે માથામાં ગંભીર ઇજા થઈ હતી. તેમને ૬ એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન ૯ એપ્રિલે ડૉક્ટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા. પરિવારજનોએ હોસ્પિટલની ટીમની સલાહ માનીને ગુપ્ત અંગદાનનો નિર્ણય લીધો, જેના થકી ૨ કિડની અને ૧ લીવરનું દાન મળ્યું. આ અંગોનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે, જ્યારે હૃદયનું પ્રત્યારોપણ યુ.એન. મહેતા હોસ્પિટલમાં થશે.
આ બે અંગદાનની સફળતા પાછળ સિવિલ હોસ્પિટલના તબીબોની ૮ કલાકની અથાક મહેનત અને સમર્પણનો મોટો ફાળો છે. ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૮૭ અંગદાન થયા છે, જેમાં ૩૪૦ કિડની, ૧૬૩ લીવર, ૬૦ હૃદય, ૩૦ ફેફસાં, ૧૧ સ્વાદુપિંડ, ૨ નાનાં આંતરડાં, ૧૦ સ્કિન અને ૧૨૬ આંખોનું દાન શામેલ છે. આ બે અંગદાતા પરિવારોએ મહાવીર જયંતીના પવિત્ર દિવસે ભગવાન મહાવીરના દયાભાવ અને સત્કર્મના આદર્શોને આત્મસાત કરીને સમાજ માટે એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
