<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ગોમતીપુર જિનાલયમાંથી પ્રતિમા લઈ જવાની ઘટનામાં ભૂપેન્‍દ્રભાઈનો તપાસનો આદેશ

હાર્દિક હુંડિયાની રજૂઆત બની લોકચર્ચાનો વિષય

અમદાવાદ, તા.૧૧: ગોમતીપુરના જૈન મંદિરમાંથી રાતોરાત ભગવાનની પ્રતિમા લઈ જવાની ઘટનાને લઈને મુંબઈના જૈન અગ્રણી અને જાણીતા પત્રકાર શ્રી  હાર્દિક હુંડિયાએ રજૂઆત કરી હતી, જેના પગલે ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે તાત્‍કાલિક તપાસના આદેશ આપ્‍યા છે. આ ઘટનાએ સમગ્ર રાજ્‍યમાં ચર્ચા જગાવી છે, અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈના આ પગલાને સરાહના મળી રહી છે.

અમદાવાદના ગોમતીપુર સ્‍થિત અતિ પ્રાચીન જૈન મંદિરમાંથી ભગવાનની પ્રતિમાઓ રાત્રે ગુપચૂપ રીતે લઈ જવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. આ બાબતે જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. હાર્દિકભાઈએ આ ઘટનાને ગંભીર ગણાવી, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને પત્ર લખીને ન્‍યાયની માગણી કરી હતી. હાર્દિકભાઈએ પોતાના પત્રમાં લખ્‍યું હતું, અતિ પ્રાચીન તીર્થની દાદા ગુરુદેવની મૂર્તિઓને અપમાનજનક રીતે રાત્રે ઉઠાવી જવામાં આવી, જે રાજ્‍યના સુશાસન પર સવાલ ઉભા કરે છે. આવી ઘટના રોકવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. તેમણે આ ઘટનાની નિષ્‍પક્ષ તપાસની માગણી કરી હતી. હાર્દિકભાઈના પત્રના જવાબમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈના કાર્યાલયે તુરંત પગલાં ભર્યા. સંબંધિત વિભાગના અધિકારી મીતા જોશીને આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી, યોગ્‍ય કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્‍યો. ઉપરાંત, હાર્દિકભાઈ હુંડિયાને તપાસની પ્રગતિની જાણકારી આપવા પણ સૂચના આપવામાં આવી છે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈના આ આદેશ બાદ હાર્દિક હુંડિયાએ આભાર વ્‍યક્‍ત કરતાં કહ્યું, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે ઝડપી અને ન્‍યાયી પગલું ભરીને સાબિત કર્યું છે કે રાજ્‍યમાં ન્‍યાયનું શાસન છે. આ કાર્યવાહીથી ભૂ-માફિયાઓ અને આ ઘટનામાં સંડોવાયેલા લોકોને ચોક્કસ સબક મળશે.આ ઘટનાએ જૈન સમાજ ઉપરાંત અન્‍ય સમુદાયોમાં પણ ચર્ચા જગાવી છે. લોકોનું માનવું છે કે આવી ઘટનાઓ ધાર્મિક આસ્‍થાને ઠેસ પહોંચાડે છે, અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈની તપાસની સૂચનાથી ન્‍યાયની આશા જાગી છે.હવે તમામની નજર તપાસના પરિણામો પર ટકેલી છે. શું આ ઘટના પાછળ ભૂ-માફિયાઓનો હાથ છે? કે પછી અન્‍ય કોઈ ષડયંત્ર? આવા સવાલોના જવાબ તપાસ બાદ જ સામે આવશે.

હાર્દિકભાઈએ આશા વ્‍યક્‍ત કરી છે કે દોષિતોને કડક સજા થશે, જેથી ભવિષ્‍યમાં આવી ઘટનાઓ ન બને. (વિનોદ સાંવલા હરવારનો અહેવાલ સાભાર)

(2:51 PM IST)