તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 11th April 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસાવદરથી જૂનાગઢ જિલ્લા માટે 634 કરોડના નવા વિકાસ કામોની જાહેરાત કરી : 94 કરોડના પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત : વિસાવદરને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની કર્મભૂમિ તરીકે યાદ કરી
વિસાવદરમાં 55 કરોડની અધ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 259 કરોડના રોડ પ્રકલ્પો સહિત જળસંચય, શિક્ષણ અને ખેડૂત કલ્યાણ માટે રાજ્ય સરકારની પ્રાથમિકતા : વિકસિત ગુજરાતના નવ સંકલ્પોને સાકાર કરવા જનભાગીદારીનું આહ્વાન

વિસાવદર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી જિલ્લાના વિકાસને નવી ગતિ આપતાં 634 કરોડના નવા વિકાસ કામોની જાહેરાત કરી અને 94 કરોડના વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ દ્વારા રાજ્ય સરકારે છેવાડાના લોકો સુધી વિકાસના કાર્યો પહોંચાડ્યા છે. વિકાસ માટે જરૂરી નાણાં ફાળવવામાં આવશે અને સ્થાનિક ટીમે સંકલન સાથે નવા પ્રકલ્પોની દરખાસ્તો મોકલવી જોઈએ, એમ પણ તેમણે ઉમેર્યું.
વિસાવદરમાં 55 કરોડના ખર્ચે અધ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ થશે, જેની જમીન ફાળવણી પૂર્ણ થઈ ગઈ છે. આ ઉપરાંત, વિસાવદર તાલુકામાં 259 કરોડના રોડ નવીનીકરણ અને નવા રસ્તાઓના કામો હાથ ધરાશે. જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારો માટે રસ્તા, આરોગ્ય અને અન્ય માળખાગત સુવિધાઓ માટે 634 કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમને સાકાર કરવા નવ સંકલ્પો—જળસંચય, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, પર્યટન, આરોગ્ય, યોગ, રમતગમત અને સેવાકાર્ય—ને ચરિતાર્થ કરવા જનભાગીદારીનું આહ્વાન કર્યું.
રાજ્ય સરકારની જળસંચય પ્રત્યેની પ્રાથમિકતા રજૂ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે ધારાસભ્યોની ગ્રાન્ટમાં એક કરોડનો વધારો કરાયો છે, જેમાંથી 50 લાખ રૂપિયા ફક્ત જળસંચયના કામો માટે ખર્ચવાની જોગવાઈથી સિંચાઈ વ્યવસ્થા મજબૂત થશે. આ ઉપરાંત, ખેડૂતોના કલ્યાણ માટે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની વ્યવસ્થા કરી છે, જેનાથી ખેડૂતોને 50,000થી 70,000 રૂપિયાનો સીધો ફાયદો થશે.
વિસાવદરને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની કર્મભૂમિ તરીકે યાદ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે જ્ઞાન આધારિત વિકાસ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને યુવાઓ માટે રોજગારની તકોનું સર્જન કરવાની નેમ અપનાવી છે. ગામડાઓમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા ‘વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ’ની યોજના રોડ કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાઓથી સાકાર થઈ રહી છે.
કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે આ વિસ્તાર ખેતી આધારિત છે અને આ વર્ષે સારા વરસાદને કારણે પુષ્કળ ઉત્પાદન થયું છે. ખેડૂતોની આવક વધે તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા કરી રહી છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે સહકાર ક્ષેત્ર દ્વારા ખેડૂતોની સમૃદ્ધિ માટે કરેલા કામોની પ્રશંસા કરી.
મુખ્યમંત્રીએ 36.95 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું, જેમાં વંથલી ખાતે ગુજરાત રાજ્ય બીજ નિગમનું ગોડાઉન, જૂનાગઢમાં સ્પોર્ટ્સ ક્લબની સુવિધાઓ, બીઆરસી ભવન, કેશોદમાં ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ અને વિસાવદરમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની શાખાઓનું નવીનીકરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 57.13 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં જૂનાગઢમાં નવી આઈટીઆઈ બિલ્ડિંગ, બેડમિન્ટન કોર્ટ, સબ રજિસ્ટ્રાર કચેરી અને રોડ રિસરફેસિંગના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ મીયાવડલા સહકારી મંડળીના રસિકભાઈ પાંચાણી અને સુડાવડ સેવા સહકારી મંડળીના કુલદીપભાઈ વેકરીયાને માઈક્રો એટીએમ મશીન વિતરણ કર્યાં. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત શૈલેષભાઈ રાદડિયા અને ચેતનાબેન કોટડીયાને સન્માનિત કરાયાં. શોભાવડલા (લશ્કર) ગામના વિરજીભાઈ શેલડીયા અને બરડીયા ગામના કુસુમબેન ભટ્ટીને પ્રોપર્ટી કાર્ડ અપાયાં, જ્યારે ભલગામના સરપંચ જ્યોત્સનાબેન ગોધાણી અને મોણીયા ગામના સરપંચ ભાવેશભાઈ ગોંડલીયાને ટીબી મુક્ત ગામ માટે સન્માન પત્ર એનાયત કરાયું.
મુખ્યમંત્રીએ કાર્યક્રમ પહેલાં પ્રાકૃતિક કૃષિ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા, જિલ્લા કલેક્ટર અનિલકુમારભાઈ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નિતીનભાઈ સાંગવાન સહિત અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
