<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ડીજીટલ અને સોશ્‍યલ મીડિયાના હકારાત્‍મક ઉપયોગ માટે દેશનું ચૂંટણી પંચ પ્રતિબધ્‍ધ

મુકત અને ન્‍યાયી ચૂંટણી માટે મીડિયા અધિકારીના સેમીનારમાં માર્ગદર્શન

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧રઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્‍હી ખાતે ગુજરાત સહિત ૨૮ રાજ્‍યો અને ૮ કેન્‍દ્રશાસિત પ્રદેશોના મીડિયા નોડલ ઓફિસર્સ, સોશિયલ મીડિયા ઓફિસર્સ અને જિલ્લાકક્ષાના જનસંપર્ક અધિકારીશ્રીઓને મીડિયાલક્ષી તાલીમ આપવામાં આવી હતી. તા.૦૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ યોજાયેલા એકદિવસીય તાલીમ સત્રમાં માધ્‍યમોના વધતા જઈ રહેલા કાર્યવિસ્‍તારને અનુલક્ષીને ચૂંટણીતંત્ર સાથે સંલગ્ન અધિકારીઓ વચ્‍ચે સુચારૂ સંકલન કેળવવા યોગ્‍ય કાર્યપદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્‍યો હતો.

 પ્રિન્‍ટ મીડિયા અને ઈલેક્‍ટ્રોનિક મીડિયાની સાથે સાથે ડિજીટલ અને સોશિયલ મીડિયાના વધતા જતા વ્‍યાપને ધ્‍યાને લઈ તેના હકારાત્‍મક ઉપયોગ માટે ભારતનું ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે. લોકપ્રતિનિધિત્‍વ ધારો-૧૯૫૦ અને ૧૯૫૧, મતદાર નોંધણી નિયમો-૧૯૬૦, ચૂંટણી સંચાલન નિયમો-૧૯૬૧ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવેલી કાર્યપદ્ધતિઓ, સૂચનાઓ અને માર્ગદર્શિકાઓને અનુલક્ષીને ઈફેક્‍ટિવ કમ્‍યુનિકેશન, જરૂરી માહિતીના અસરકારક પ્રચાર-પ્રસાર અને ખોટી કે ભ્રામક માહિતીને ફેલાતી અટકાવવા જેવા વિવિધ વિષયો અંગે આ સેમિનારમાં વિસ્‍તળત તાલીમ આપવામાં આવી હતી.

મુક્‍ત, ન્‍યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા માટે ભારતના ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે ત્‍યારે મુખ્‍ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે તેમના સંબોધનમાં ડિજીટલ માધ્‍યમોની વ્‍યાપક પહોંચ વચ્‍ચે ચૂંટણી પ્રક્રિયામાં મતદારોના વિશ્વાસને જાળવી રાખવા હકીકતલક્ષી, સમયસર અને પારદર્શી સંચારના મહત્‍વ પર ભાર મૂકયો હતો. તેમણે તથ્‍યહિન અને ભ્રામક સમાચારો સામે મતદારોને સાચી અને આધારભૂત માહિતી મળી રહે તે માટે મીડિયા ઓફિસર્સની સક્રિય ભૂમિકા અંગે પણ વાત કરી હતી.

(2:37 PM IST)