<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં દુર્ઘટના: ગટરના ખોદકામ વેળાએ માટી ધસી પડતાં બે શ્રમિકો દટાયા

સૂર્યોદય પાર્ટી પ્લોટમાં ગટર લાઇનના ખોદકામ દરમિયાન દુર્ઘટના : બંને શ્રમિકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં બપોર બાદ એક દુર્ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે પર સૂર્યોદય પાર્ટી પ્લોટમાં ગટર લાઈનના ખોદકામ દરમિયાન અચાનક માટી ધસી પડતાં બે શ્રમિકો દટાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થળ પર જેસીબી મશીન દ્વારા માટી ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હિંમતનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે પણ તાત્કાલિક પહોંચી જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી.

માટીમાં દટાયેલા બંને શ્રમિકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીના જણાવ્યા અનુસાર, બંને શ્રમિકોની તબિયત સ્થિર છે.

ઈજાગ્રસ્ત શ્રમિકોની ઓળખ હિંમતનગરના વક્તાપુર ગામના મેહુલભાઈ ડાહ્યાભાઈ અને રાકેશભાઈ રમેશભાઈ તરીકે થઈ છે. સદનસીબે, ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને બંને શ્રમિકોનો જીવ બચી ગયો હતો.

 

(7:03 PM IST)