News of Monday, 14th April 2025
એસટીના પ૦ હજારથી વધુ નિવૃત કર્મચારીઓને ગુમરાહ કર્યા વગર તેમના હિતની લડત લડો
કહેવાતા કર્મચારી નેતાઓ ખોટી લડત, મીટીંગો, સભાઓ બંધ કરી કોર્ટે આપેલા ચુકાદા સંદર્ભે પેન્શન ઓફીસ પાસે કાર્યવાહીની માંગ કરે : નિવૃત ટ્રાફીક કંટ્રોલરની માંગણી

રાજકોટઃ ગુજરાત એસ.ટી. નિગમમાંથી પ૦ હજારથી વધુ એસ.ટી.ના નિવૃત કર્મચારીઓને છેલ્લા સાત વર્ષથી પેન્શન અંગેના સમાચારો મોબાઇલમાં ખોટા વિડીયો મુકી ગુમરાહ કરે છે. આવા તત્વોનું સંગઠન નથી કે કોઇ માન્ય સંગઠનના સભ્ય નથી. મો માથા વિનાના લખાણો મુકે છે તે બંધ કરી પેન્શનરોના હિતમાં સાચી માહીતી આપે અને સાચી લડત લડે તેવી લાગણી નિવૃત એસટીના કર્મચારીએ કરી છે.
કુંરજીભાઇ હરખાણી નામના આ કર્મચારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, એસ.ટી. નિગમમાં સને ૧૯૯પના ઇ.પી.એસ.ઓ. પેન્શન સ્કીમ અમલમાં આવી આ પેન્શન યોજનામાં કર્મચારીના પગારમાંથી ૧૦૦ રૂપીયાએ ૮ રૂપીયાને ૩૩ પૈસા કપાત કરી તેટલી રકમ માલીકો-નિગમોએ પેન્શન કચેરીમાં જમા કરવાની હતી તે પ્રમાણે માલીકો અને નિગમોએ રકમ જમા કરાવેલ નહી.
આમ થવાથી ગુજરાતના એસ.ટી. નિગમ, જીઇબી, ખાણ ખનીજ, નાણા નિગમ, ડેરી ઉદ્યોગ, ખાદી બોર્ડ, માર્કેટીંગ યાર્ડ, નાના મોટા કારખાનામાંથી કુલ સાત લાખ નિવૃત થયેલ કર્મચારીઓને હાલ લઘુતમ ૮૦૦ થી ૧ર૦૦ જેવુ શરમજનક પેન્શન મળે છે. આ અંતર્ગત એસ.ટી.ના નિવૃત ટ્રાફિક કંન્ટ્રોલર કુરજીભાઇ હરખાણી સ્પષ્ટતા કરતા વધુમાં જણાવે છે કે ‘‘ગુજરાત એસ.ટી. નિવૃત કર્મચારી સંઘ'' સહિત ભારત દેશના ૧૧૧ રજીસ્ટર્ડ- રાજકીય માન્યતા ધરાવતા સંગઠનો દ્વારા ૨૦૧૮ માં દેશની સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના ધોરણે પગાર + મોંઘવારીના ટોટલના ૫૦% પેન્શન માટે કેસ કરેલ. ત્રણ વર્ષ પહેલા સુપ્રીમે નિવૃત પેન્શનરોની તરફેણમાં ચુકાદો આપેલ કે ‘‘પૈસા ભરો ને પેન્શન મેળવો''. જેમની આર્થીક સ્થિતી નબળી હોય તેમની પાસેથી ‘‘ઓન લાઇન ફોર્મ ભરાવો''. સુપ્રીમના આદેશ મુજબ કેન્દ્રીય પેન્શન કમીશ્નર દિલ્હી દ્વારા ભારત દેશની રાજયકક્ષા-પ્રાંતકક્ષાના પેન્શન કમિશ્નરોને હુકમ થતા બે વર્ષ થયા. નિવૃતોએ ફોર્મ ભરી આપેલ છે. આ અન્વયે પેન્શરોના બની બેઠેલા-નેતાઓ-ખોટી લડતો મીંટીંગો-સભાઓ બંધ કરી જીલ્લાકક્ષાની, પ્રાંત કક્ષાની અને રાજય કક્ષાની પેન્શન ઓફિસે કમીશ્નરોને રજુઆત કરવામાં આવે કે, અમોએ બે વર્ષથી ઓન લાઇન ફોર્મ ભર્યા છે, આવેદન-રૂબરૂ રજુઆત કરી નિવૃત કર્મચારીઓને પેન્શન અંગે અન્ય હકિકત જણાવો. હાલ મોબાઇલમાં ત્રણ હજાર, પાંચ હજાર અને સાડા સાત હજાર પેન્શન મળે છે તેવા વિડીયો બંધ કરો અને પેન્શનરોને સત્ય હકિકતથી વાકેફ કરો કે કોર્ટ મેટર છે. તેવી માંગણી એસટીના નિવૃત ટ્રાફીક કંટ્રોલર કુરજીભાઇ હરખાણીએ કરી છે.(૪.૨૭)
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
