<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

વિદ્યાર્થીઓ માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે તે જ સફળ - રાજ્યપાલ દેવવ્રતજી : ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયો

વિદ્યાર્થીઓને શિક્ષાની સાથે આત્મિક વિકાસ તરફ પ્રયાણ કરવા સંદેશ : પાટણને શ્રેષ્ઠ રીજનલ સેન્ટરનો એવોર્ડ : દર વર્ષે સમરસતા એવોર્ડ અપાશે : ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિ

અમદાવાદ: ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના પાવન અવસરે આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહનું ભવ્ય અને ગરિમાપૂર્ણ આયોજન રાજ્યપાલ દેવવ્રતજીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને માત્ર શિક્ષા જ નહીં, પરંતુ આત્મિક વિકાસના માર્ગ પર પણ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

રાજ્યપાલ દેવવ્રતજીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને તેમના મહાન કાર્યોને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેઓ આઝાદીકાળના ભારતના ઇતિહાસના એક એવા મહાપુરુષ હતા જેમણે સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને નાતજાતના ભેદભાવો સામે મજબૂત આંદોલન ચલાવ્યું હતું. તેમનું હંમેશાં એવું ચિંતન રહ્યું કે સમાજનો દરેક વ્યક્તિ સમાન રીતે પ્રગતિ કરે. જો આપણે સૌ એકતા અને સમરસતાના ભાવ સાથે આગળ વધીશું, તો આપણો સમાજ અને આપણો દેશ નિશ્ચિતરૂપે નવી ઊંચાઈઓને સ્પર્શી શકશે. આ પ્રસંગે તેમણે બાબાસાહેબની જન્મજયંતિનું સ્મરણ કરતાં તેમના અમૂલ્ય વિચારોને સૌ કોઈ માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા.

દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલ દેવવ્રતજીએ કહ્યું હતું કે, આજે તેઓ પોતાના સખત પરિશ્રમ અને નિષ્ઠાના ફળસ્વરૂપે પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે. માતા-પિતા, સમાજ અને રાષ્ટ્રને વિદ્યાર્થીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. જે યુવાનો આ ત્રણેયની ભાવનાઓનું સન્માન કરે છે અને પોતાના શિક્ષણ તેમજ આવડતનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરે છે, તેઓ જ ખરા અર્થમાં સફળ ગણાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સાચી શિક્ષા એ માત્ર નોકરી મેળવવા માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ઉપયોગી બનવી જોઈએ. તેમણે વૈદિક ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે, ‘સા વિદ્યા યા વિમુક્તયે’ એટલે કે સાચી વિદ્યા એ છે જે મુક્તિ તરફ દોરી જાય છે અને આ જ આપણી ભારતીય વિદ્યા પરંપરાનું સર્વોચ્ચ ધ્યેય છે.

રાજ્યપાલ દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણી સમૃદ્ધ સંસ્કૃતિ આપણને પરા (લૌકિક) અને અપરા (અલૌકિક) બંને પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવાનું સૂચવે છે. આત્મા, પરમાત્મા, સંસાર, સભ્યતા અને સંસ્કૃતિનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ ખરા અર્થમાં શિક્ષણનો સાર છે. શારીરિક અને આત્મિક જીવન વચ્ચેનો મહત્વનો તફાવત સમજાવતા તેમણે કહ્યું હતું કે, શારીરિક સુખ-સગવડો ક્યારેય જીવનનો અંતિમ ઉદ્દેશ્ય હોઈ શકે નહીં, પરંતુ તે માત્ર જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવાના સાધન છે. ભારતીય દર્શન ભૌતિક વિકાસનો વિરોધ કરતું નથી, પરંતુ તે ભૌતિક સુખને ક્યારેય અંતિમ ધ્યેય માનતું નથી. ભૌતિક સુખ તો આત્મિક વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ પગથિયું હોવું જોઈએ.

રાજ્યપાલ દેવવ્રતજીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘વિકસિત ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવા મહત્વપૂર્ણ અભિયાનોનો ઉલ્લેખ કરતાં યુવાનોને આ દિશામાં પોતાની સક્રિય ભૂમિકા ભજવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે ‘વસુધૈવ કુટુંબકમ્’ની ઉદાત્ત ભાવનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે આપણું કુટુંબ મજબૂત હશે, ત્યારે જ આપણે સમગ્ર વિશ્વને પણ એક પરિવારના રૂપમાં જોઈ શકીશું. તેમણે પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આ પરંપરાને વધુ મજબૂત બનાવશે અને એક શક્તિશાળી ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતી રહેશે.

રાજ્યપાલ દેવવ્રતજીએ આજના દીક્ષાંત સમારોહને માત્ર એક ઔપચારિક વિધિ ન ગણાવતા જણાવ્યું હતું કે, આ સમારોહમાં સત્સંગ જેવી પવિત્રતા અને ઊંડાઈનો અનુભવ થયો હતો. તેમણે મંચ પરથી અપાયેલા વક્તવ્યોને માત્ર ભાષણ નહીં, પરંતુ સંતોના પ્રવચન સમાન જ્ઞાનથી ભરપૂર અને આત્માને સ્પર્શ કરનારા ગણાવ્યા હતા.

રાજ્યપાલ દેવવ્રતજીએ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાય અને તેમની સમગ્ર ટીમને છેલ્લા વર્ષો દરમિયાન યુનિવર્સિટીએ હાંસલ કરેલી નોંધપાત્ર સિદ્ધિઓ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને યુનિવર્સિટીની પરિવારભાવના સાથે આગળ વધવાની ભાવનાને ખાસ વખાણી હતી. તેમણે ઉમેર્યું હતું કે, યુનિવર્સિટી સતત પ્રગતિના માર્ગ પર અગ્રેસર છે.

આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના દસમા વાર્ષિક પદવીદાન સમારંભમાં નાના બાળકોને આમંત્રિત કરવા એ ખરેખર સરાહનીય બાબત છે. આજે જે યુવાન વિદ્યાર્થીઓને પદવી મળવાની છે તે નિહાળીને નાના બાળકોને પણ પ્રોત્સાહન મળશે. મંત્રી ઋષિકેશભાઈ પટેલે જ્ઞાન અને માહિતી વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજાવતા કહ્યું હતું કે, શિક્ષણ દ્વારા જે પ્રાપ્ત થાય છે તે માહિતી છે, પરંતુ જ્યારે આ માહિતીનો ઉપયોગ સમાજ અને લોકોના કલ્યાણ માટે થાય છે ત્યારે તે જ્ઞાન બને છે.

મંત્રી ઋષિકેશભાઈ પટેલે રેડિયો અને આજના આધુનિક ટેકનોલોજીના યુગની વાત કરતાં જણાવ્યું હતું કે, રેડિયોને લોકો સુધી પહોંચવામાં ૧૫ વર્ષ જેટલો સમય લાગ્યો હતો, પરંતુ આજના આધુનિક ટેકનોલોજીના માધ્યમો ગણતરીના દિવસોમાં કરોડો લોકો સુધી પહોંચી શકે છે. આજે વિજ્ઞાન, સાહિત્ય અને આધ્યાત્મિક જ્ઞાનનો વ્યાપક વિકાસ થયો છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ડિગ્રી માત્ર આજીવિકા મેળવવા માટે જ નથી, પરંતુ તેનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે પણ થવો જોઈએ. મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સમયનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, જીવનમાં પ્રગતિ કરવા માટે સમયનો કોઈ બાધ ન રાખવો જોઈએ, સતત પરિશ્રમ થકી ધારેલા તમામ કાર્યો ચોક્કસપણે સિદ્ધ કરી શકાય છે. તેથી ઘડિયાળના ટકોરે કાર્ય ન કરવું જોઈએ, પરંતુ કોઈપણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે હંમેશાં કાર્યશીલ રહેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે આપ સૌએ વિવિધ વિષયોમાં પદવી પ્રાપ્ત કરી છે અને ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત થશો, ત્યારે પોતાની જવાબદારી સમજીને પરિવાર, સમાજ અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરો અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપો.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ વિદ્યાર્થીઓએ મેળવેલા જ્ઞાનને જીવનનું સાચું માર્ગદર્શક ગણાવતા જણાવ્યું હતું કે, યુવા વિદ્યાર્થીઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ હવે પોતાના યોગ-ક્ષેમ માટે આગળ વધવાનું છે. ધ્યેયનિષ્ઠા, તેજસ્વીતા અને પરાક્રમની ભાવના કેળવનાર નચિકેતા જેવા નવયુવાનોની આજે દેશને તાતી જરૂરિયાત છે. તેમણે ગીતાના ઉપદેશને ટાંકીને જ્ઞાનની અપાર મહત્તા સમજાવી હતી. મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીએ હજારો યુવાઓના શિક્ષિત બનવાના સ્વપ્નને સાકાર કર્યું છે. તેમણે ડિગ્રી પ્રાપ્ત કરવાની સાથે વિવેક, પ્રામાણિકતા અને મૂલ્યનિષ્ઠતા જેવા ઉચ્ચ ગુણો કેળવવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

યુ.જી.સી.ના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર એમ. જગદેશ કુમારે જણાવ્યું હતું કે, NIRFના ૨૦૨૪ના રેન્કિંગ અનુસાર ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)એ ભારતમાં ઓપન યુનિવર્સિટીની શ્રેણીમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ઓપન યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવવું એ પરિપક્વતા, દ્રઢ નિશ્ચય અને ધગશનો માર્ગ છે. જેલના કેદી હોય, ગૃહિણી હોય, નોકરિયાત હોય કે બિઝનેસમેન હોય, કોઈપણ પૃષ્ઠભૂમિમાંથી આવતી વ્યક્તિ ઓપન યુનિવર્સિટીમાંથી એક સમાન શિક્ષણ મેળવી શકે છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. અમીબેન ઉપાધ્યાયે યુનિવર્સિટીના વિવિધ શૈક્ષણિક કાર્યો અને ઉપલબ્ધિઓનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો. તેમણે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે આપવામાં આવનાર સમરસતા એવોર્ડની પણ જાહેરાત કરી હતી.

રાજ્યપાલ દેવવ્રતજી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ગૌરવપૂર્ણ પદવીદાન સમારોહમાં કુલ ૧૮,૧૦૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિવિધ વિદ્યાશાખાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને કુલ ૩૯ ગોલ્ડ મેડલ, ૪૦ સિલ્વર મેડલ અને ૪૨ સર્ટિફિકેટ એમ કુલ મળીને ૧૨૧ જેટલા પદકો અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પાટણ રિજનલ સેન્ટરને શ્રેષ્ઠ રિજનલ સેન્ટરનો પ્રતિષ્ઠિત એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીના અધ્યાપકો, પદવી મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(5:29 PM IST)