<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડીકલ ઓફિસર પર દર્દીના સબંધીઓનો હુમલો : મારી નાખવાની ધમકી

દર્દીઓ સાથે આવેલા લોકોએ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર કેમ નથી તેમ કહી ડોક્ટર સાથે મારામારી કરી

ખેડા જિલ્લાના ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દર્દીના સગા સબંધીઓ દ્ધારા હોસ્પિટલના મેડીકલ ઓફિસર સાથે ઝપાઝપી કરી હતી. માર મારી મેડીકલ ઓફિસરને જાણથી મારી નાખવાની ધમકી આપવાની ગંભીર ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ડાકોર પોલીસે મેડીકલ ઓફિસરની ફરિયાદના આધારે 15 હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રે ડાકોર નજીક રિક્ષા અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીઓને સારવાર અર્થે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ગત રાત્રીના બે અકસ્માતમાં આવેલ દર્દીઓને હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. ભાવેશકુમાર જનસારી દ્વારા બંને દર્દીઓની પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા.

દરમિયાન દર્દીઓ સાથે આવેલા લોકોએ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર કેમ નથી તેમ કહી ડોક્ટર સાથે બોલાચાલી કરી હતી. જેથી હાજર ડોક્ટરે જણાવેલ કે હાલ હું ફરજ પર છુ. તેમજ મારી સાથે મહિલા નર્સિંગ સ્ટાફ છે તેમ જણાવતા ઉશ્કેરાઈ ગયેલ લોકોએ ડોક્ટરની ફેંટ પકડી 15 જેટલા લોકોએ ઝપાઝપી કરી હતી. દર્દી સાથે આવેલા લોકોએ લાતોથી માર મારતા હોસ્પિટલમાં હાજર સ્ટાફ તેમજ સિક્યુરિટી કર્મચારીઓએ વચ્ચે પડી ડૉક્ટરને બચાવ્યા હતા. હુમલાખોરોએ ભવિષ્યમાં મહિલા ડૉક્ટર ન રાખવા બદલ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

સમગ્ર મામલે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. ભાવેશકુમાર જનસારી દ્વારા હુમલાખોરો સતપાલસિંહ મનુભાઈ ચૌહાણ, આકાશ, રાજ વિનોદ ચંદ્ર રાણા, સુમિત્રાબેન ચૌહાણ, ભરત લક્ષ્મણસિંહ ચૌહાણ, મોહનદાસ મહંત, ભાવુભાઈ અને ગીતાબેન ચૌહાણ સહિત 15 લોકો વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તમામ હુમલાખોરોન ઝડપી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:34 PM IST)