News of Tuesday, 15th April 2025
પ્રાકૃતિક ખેતી યોગ્ય રીતે અને પૂરી પ્રમાણિકતાથી થાય તો ઉત્તમ પરિણામ મળે, યોગ્ય તાલીમ અનિવાર્ય - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય : ત્રણ ગામના એક ક્લસ્ટર દીઠ બે તાલીમબદ્ધ વ્યક્તિઓ ખેડૂતોને માર્ગદર્શન આપશે : રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં તાલીમ અને વેચાણ વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા

ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારપૂર્વક જણાવ્યું છે કે જો પ્રાકૃતિક કૃષિ યોગ્ય પદ્ધતિથી અને સંપૂર્ણ પ્રમાણિકતા સાથે કરવામાં આવે તો તેનાં ખૂબ જ સારાં પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. આ માટે ખેડૂતોને યોગ્ય તાલીમ મળવી અત્યંત આવશ્યક છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત, ગુજરાતમાં ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર પ્રમાણે કુલ 4,854 ક્લસ્ટર્સની રચના કરવામાં આવી છે. દરેક ત્રણ ગામના ક્લસ્ટર દીઠ બે વ્યક્તિઓને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવાની જવાબદારી સોંપવામાં આવશે. આ બે વ્યક્તિઓમાં એક કોમ્યુનિટી રિસર્ચ પર્સન અને બીજી પ્રાકૃતિક કૃષિ સખી - મહિલા હશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે રાજભવનમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંયુક્ત સચિવ પી. ડી. પલસાણા, કૃષિ નિયામક પ્રકાશ રબારી અને આત્માના નિયામક સંકેત જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને યોગ્ય અને અસરકારક તાલીમ મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને તાલીમ આપનારા પ્રશિક્ષકોને પણ સમયાંતરે સઘન અને સુયોગ્ય તાલીમ મળતી રહે તે જરૂરી છે. પ્રાકૃતિક કૃષિને લોકોનું જીવન ટકાવી રાખનારું એક માનવતાનું કાર્ય ગણાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીનું કામ એ એક પ્રકારની પૂજા છે.
આ બેઠકમાં ગુજરાતનાં તમામ શહેરો અને તાલુકા મથકોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો શરૂ કરવા અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ વેચાણ કેન્દ્રો પર માત્ર પ્રમાણિત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો જ વેચાય તેની ચોકસાઈ રાખવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેથી ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મળી રહે. રાજ્ય સરકારનો આ પ્રયાસ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
