News of Wednesday, 16th April 2025
રાજ્ય સરકારનો કર્મચારી હિતકારી નિર્ણય : જાન્યુઆરી-૨૦૨૫થી કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો : ૪.૭૮ લાખ કર્મચારીઓ અને ૪.૮૧ લાખ પેન્શનર્સને લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત : ત્રણ મહિનાનું એરિયર્સ એપ્રિલ-૨૦૨૫ના પગાર સાથે ચૂકવાશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા પોતાના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જાન્યુઆરી, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લેવાયેલા આ કર્મચારી હિતકારી નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવે છે તેમના મોંઘવારી ભથ્થામાં ૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ મોંઘવારી ભથ્થાની ત્રણ મહિનાની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૫થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની તફાવતની રકમ (એરિયર્સ) એક જ હપ્તામાં એપ્રિલ-૨૦૨૫ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય મળીને કુલ ૪.૭૮ લાખ કર્મચારીઓ અને અંદાજે ૪.૮૧ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
એટલું જ નહીં, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.૨૩૫ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.૯૪૬ કરોડની ચૂકવણી પગારભથ્થા અને પેન્શન પેટે થશે તેમ પણ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકે કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે તેમ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
