<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

સુરતમાં સારોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીની સરાહનીય કામગીરી : સારોલી વિસ્તારમાં ખેતરમાં યુવતીએ ઝેરી દવા પી લેતા પોલીસકર્મીએ યુવતીને ખભે ઊંચકી કાદવભરેલા ખેતરમાં દોડ્યા અને પીસીઆરવાનમાં જ હોસ્પિટલ લઇ જવા રવાના થયા

યુવતીનો જીવ બચાવી તેમજ આવું પગલું ન ભરવા માટે અજમલભાઈ, શી ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું :પોલીસકર્મીની આ સરાહનીય કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ બિરદાવવામાં આવી

સુરત તા.૧૬ ; સુરતમાં સારોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં સારોલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં યુવતીએ ઝેરી દવા પી લીધી હતી, પોલીસકર્મી યુવતીને ખભે ઊંચકી કાદવભરેલા ખેતરમાં દોડ્યા હતા અને પીસીઆરવાનમાં જ હોસ્પિટલ લઇ જવા રવાના થયા હતા. જો કે રસ્તામાં 108 એમ્બ્યુલન્સ મળી જતા તેમાં શિફ્ટ કરીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઇ જવાઈ હતી. આમ સમયસર સારવાર મળી રહેતા યુવતીનો જીવ બચી ગયો હતો.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, ગઇકાલે 15 એપ્રિલના રોજ સારોલી પીસીઆર વાન-66ના ઇન્ચાર્જ અ.હે.કો. અજમલભાઈ વરદાજીને સાંજે 5.03 વાગ્યે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા મેસેજ મળ્યો હતો કે આઉટર રીંગ રોડથી આશીર્વાદ-2ની અંદર સણીયા હેમાદ ગામ ખેતરમાં એક ઇમસે દવા પી લીધી છે. મેસજ મળતા જ અજમલભાઈએ કોલરને ફોન કર્યો હતો અને જગ્યા વેરીફાઇ કરી હતી. જેમાં પુજન પ્લાઝા સામે વિત્રાગ લોન્સ ક્રિકેટ બોક્સતી આગળ ખેતરમાં હોવાનું જણાઇ આવ્યું હતું.

જે લોકેશન મળ્યું હતું ત્યાં 108 એમ્બ્યુલન્સ કે પીસીઆર વાન જઇ શકે તેમ ન હતી. તેથી અજમલભાઈ ચાલીને ખેતરમાં પહોંચ્યા હતા. અંદર તપાસ કરતા 28 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક સારવાર ન મળે તો તેનો જીવ જઇ શકે તેમ હતો. તેથી અજમલભાઈએ યુવતીને પોતાના ખભા પર ઉંચકીને કાદવ અને અવ્યવસ્થિત રસ્તા વચ્ચેથી બહાર લાવ્યા હતા. તેમજ 108ની રાહ જોયા વગર પીસીઆર વાનમાં બેસાડીને લઇ ગયા હતા.

જોકે શાયોના પ્લાઝા ખાતે 108 આવી જતા યુવતીને તેમાં શિફ્ટ કરવામાં આવી હતી અને સિમ્મેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. યુવતીનો જીવ બચાવી તેમજ આવું પગલું ન ભરવા માટે અજમલભાઈ, શી ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસકર્મીની આ સરાહનીય કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ બિરદાવવામાં આવી હતી.

(4:36 PM IST)