News of Thursday, 17th April 2025
ગુજરાતની 4 મુખ્ય હેરિટેજ સાઈટ્સ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર : વર્ષ ૨૦૨૪માં ૧૨.૮૮ લાખથી વધુ મુલાકાતીઓ
ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટની વિશેષ દેખભાળ અને સુવિધાઓના કારણે પ્રવાસીઓનો ધસારો : રાજ્યમાં હેરિટેજ ટુરિઝમ પોલિસી અમલમાં

ગાંધીનગર: ગુજરાત પોતાની સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત માટે વિશ્વભરમાં જાણીતું છે. રાજ્યમાં આવેલી ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમાં આ હેરિટેજ સ્થળોની વિશેષ સાર સંભાળ અને પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાયેલી સુવિધાઓના પરિણામે ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ પ્રવાસીઓએ આ ચાર સાઈટની મુલાકાત લીધી હતી.
ગુજરાતની ચાર હેરિટેજ સાઈટમાં ચાંપાનેર (ગુજરાતની પ્રથમ હેરિટેજ સાઈટ - ૨૦૦૪), રાણીકી વાવ-પાટણ (ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે વૈશ્વિક વારસામાં સ્થાન), અમદાવાદ (યુનેસ્કો દ્વારા ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી - ૨૦૧૭) અને કચ્છનું ધોળાવીરા (વિશ્વ વિરાસત સ્થળ - ૨૦૨૧)નો સમાવેશ થાય છે.
ગત વર્ષે સૌથી વધુ ૭.૧૫ લાખથી વધુ પ્રવાસીઓએ હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાત લીધી હતી, જ્યારે ૩.૬૪ લાખથી વધુ પ્રવાસીઓએ રાણીકી વાવ-પાટણની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ૧.૬૦ લાખથી વધુ પ્રવાસીઓએ ધોળાવીરા અને ૪૭ હજારથી વધુ પ્રવાસીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી હતી.
આમ, ગુજરાતમાં આવેલી ચાર વૈશ્વિક હેરિટેજ સહિત વિવિધ કુલ ૧૮ હેરિટેજ પ્રકારના સ્થળોની ગત વર્ષે કુલ ૩૬.૯૫ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેનાથી રાજ્યમાં સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થયો છે અને સમગ્ર અર્થતંત્રને મોટું પ્રોત્સાહન મળ્યું છે.
વૈશ્વિક સંસ્થા યુનેસ્કો દ્વારા દર વર્ષે ૧૮ એપ્રિલના રોજ ‘વર્લ્ડ હેરિટેજ ડે’ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં સ્થાપત્ય, ઈતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા અને શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને ધ્યાનમાં રાખીને આ ચાર સાઈટને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ગુજરાતની ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટની વિશેષતાઓ:
- ચાંપાનેર-પાવાગઢ (વર્ષ ૨૦૦૪): પંચમહાલ જિલ્લામાં આવેલું આ પૌરાણિક અને ઐતિહાસિક શહેર ગુજરાતનું પ્રથમ વિશ્વ વિરાસત સ્થળ છે. અહીં આઠમી સદીમાં બનેલું કાલિકા માતાનું મંદિર આવેલું છે, જે ગુજરાતના શક્તિપીઠોમાંનું એક છે. અહીં સુલતાન યુગના સ્થાપત્યો અને પાવાગઢની ટેકરીઓ પરના કિલ્લાઓ જોવાલાયક છે.
- રાણકી વાવ-પાટણ (વર્ષ ૨૦૧૪): પાટણ શહેરમાં આવેલી આ ઐતિહાસિક વાવ ૧૧મી સદીમાં રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. તેની ઉત્તમ જળ વ્યવસ્થાપન કલા અને કલાત્મક મૂર્તિઓના કારણે યુનેસ્કોએ તેને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપ્યો છે. ભારતીય રિઝર્વ બેંકની ૧૦૦ રૂપિયાની નવી નોટ પર પણ રાણકી વાવનું ચિત્ર જોવા મળે છે.
- અમદાવાદ - ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી (વર્ષ ૨૦૧૭): સાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ ૬૦૦ વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે. કોટ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક હવેલીઓ, પોળો, હિન્દુ, જૈન અને મુસ્લિમ સ્થાપત્યો તેની આગવી ઓળખ છે. ગાંધી આશ્રમ પણ અહીં આવેલું છે, જે એક વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યું છે.
- ધોળાવીરા-કચ્છ (વર્ષ ૨૦૨૧): કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિનું એક લુપ્ત મહાનગર છે, જે લગભગ ૫,૦૦૦ વર્ષ જૂનું માનવામાં આવે છે. તેની ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બનેલી નગર રચના અને આયોજન આશ્ચર્યચકિત કરે તેવું છે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન ૨.૦ યોજના હેઠળ ધોળાવીરાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારે ગુજરાતની પ્રાચીન ધરોહર અને ઐતિહાસિક વિરાસતને પ્રોત્સાહન આપવા માટે ‘હેરિટેજ ટુરિઝમ પોલિસી ૨૦૨૦-૨૫’ અમલમાં મૂકી છે. આ પોલિસી અંતર્ગત રાજ્યના નાના ગામો અને નગરોમાં રહેલી હેરિટેજ ઇમારતોને પ્રવાસીઓ માટે સુવિધાસભર બનાવવામાં આવશે અને તેમને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે-૨૦૨૫ની થીમ "આફતો અને સંઘર્ષોથી હેરિટેજ પર જોખમ: તૈયારીઓ અને ICOMOSની ૬૦ વર્ષોની કામગીરીમાંથી મળતી શીખ" રાખવામાં આવી છે, જે કુદરતી આફતો અને સંઘર્ષોના કારણે હેરિટેજ સ્થળો પર વધતા જોખમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
