<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ગુજરાત સહિત દેશના તમામ બાર કાઉન્સિલ પાસેથી વકીલોના વેરીફીકેશન ફોર્મ રજૂ કરવા આદેશ

રાજકોટ, તા.૧૭ : ગુજરાત સહિત દેશભરમા  સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર કમીટીએ ગુજરાત બાર કાઉન્સીલ સહિત દેશની તમામ બાર કાઉન્સીલો પાસેથી વકીલોના વેરીફિકેશન મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. જેથી હવે ગુજરાત બાર કાઉન્સીલે પણ રાજયના જે વકીલોએ પોતાના વેરીફિકેશન ફોર્મ જમા નથી કરાવ્યા તેઓને તેમના ફોર્મ પંદર દિવસમાં જમા કરાવી દેવા કડક તાકીદ કરી છે. નહી તો, તેઓને મળવાપાત્ર લાભોથી વંચિત કરી દેવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે. દેશમાંથી ભૂતિયા વકીલોને શોધી  વકીલાતના વ્યવસાયને  સ્વચ્છ પ્રતિભા ધરાવતો બનાવવાના આશયથી સુપ્રીમકોર્ટે દેશભરના વકીલોનું વેરીફિકેશન કરવાના  મહત્ત્વના નિર્દશો જારી કરેલા છે. જો કે, આ પ્રક્રિયા ઘણા લાંબા સમય સુધી પણ પૂર્ણ નહી થઈ  શકતાં સુપ્રીમકોર્ટે   નારાજગી  વ્યકત કરી છે. જેને લઈ સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર કમીટીએ ગુજરાત  સહિત દેશની તમામ બાર કાઉન્સીલો પાસેથી વકીલોના વેરીફિકેશન ફોર્મ ભર્યા છે, આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. ગુજરાત બાર કાઉન્સીલના રોલ પર નોંધાયેલા ૩૩ હજારથી વધુ વકીલોએ વેરીફિકેશન ફોર્મ ભર્યા છે, જયારે  જૂલાઈ-૨૦૧૦ બાદ ઓલ ઇન્ડિયા બાર એકઝામ અમલી બની હોવાથી નોંધાયેલા ૧૯ હજારથી વધુ વકીલોએ ડેકલેરેશન ફોર્મ ભર્યા છે.બીજીબાજુ, બાર કાઉન્સીલે વેરીફિકેશનની પ્રક્રિયાના ભાગરૃપે ૨૮ હજારથી વધુ વકીલોની એલએલબીની માર્કશીટ, ગ્રેજયુએશનની ૨૦ હજાર જેટલી માર્કશીટ અને ધોરણ-૧૦ અને ૧૨ની ૨૨ હજાર જેટલી માર્કશીટ જે તે યુનિવર્સિટી અને સંસ્થાઓમાં ચકાસણી માટે મોકલી આપી છે. હજુ પણ રાજયના આશરે ૧૫ હજારથી વધુ વકીલો એવા છે કે, જેઓના વેરીફિકેશન ફોર્મ ભરવાના બાકી છે. (રર.૧૭)

(3:50 PM IST)