News of Thursday, 17th April 2025
રાજયમંત્રી ઋષિકેશભાઈ પટેલની પહેલનું ઉત્તમ પરિણામ : એન્જિનિયરિંગ બેઠકોના રિસ્ટ્રક્ચરિંગથી વિદ્યાર્થીઓ અને વાલીઓના કરોડો રૂપિયા બચ્યા
સરકારી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કોલેજોમાં બેઠકોના રિસ્ટ્રક્ચરિંગથી ૧૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને લાભ : ડિગ્રીમાં ૯૨% અને ડિપ્લોમામાં ૮૯%થી વધુ બેઠકો ભરાઈ

ગાંધીનગર: ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની એન્જિનિયરિંગ અભ્યાસક્રમોની બેઠકોમાં રિસ્ટ્રક્ચરિંગની પહેલ રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં અત્યંત સફળ સાબિત થઈ છે. વર્ષ ૨૦૨૩-૨૪માં સરકારી એન્જિનિયરિંગ ડિગ્રી અને ડિપ્લોમા કોલેજોમાં હાથ ધરાયેલા બેઠકોના રિસ્ટ્રક્ચરિંગના પરિણામે વિદ્યાર્થીઓ અને વાલીઓના કરોડો રૂપિયાની બચત થઈ છે.
સમયની માંગને અનુરૂપ, ટેકનિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા ૨૮ જૂન ૨૦૨૩ના રોજ રિસ્ટ્રક્ચરિંગનો પરિપત્ર બહાર પાડીને AICTEની મંજૂરી મેળવવામાં આવી હતી. આ અંતર્ગત રાજ્યની કુલ ૧૬ ડિગ્રી એન્જિનિયરિંગ સંસ્થાઓમાંથી ૧૦ સંસ્થાઓમાં વિવિધ ૧૪ હાલના અને નવા અભ્યાસક્રમો મળીને કુલ ૧૫૩૯ બેઠકોનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૪ના પ્રવેશ દરમિયાન આમાંથી કુલ ૧૪૧૩ બેઠકો ભરાઈ ગઈ છે.
તે જ રીતે, રાજ્યની કુલ ૩૧ સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાંથી ૯ સંસ્થાઓમાં વિવિધ ૮ હાલના અને નવા અભ્યાસક્રમો મળીને કુલ ૭૪૮ બેઠકોનું રિસ્ટ્રક્ચરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી વર્ષ ૨૦૨૪ના પ્રવેશ દરમિયાન કુલ ૬૬૮ બેઠકો ભરાઈ ગઈ છે.
સરકારી સંસ્થાઓમાં રિસ્ટ્રક્ચરિંગ થયેલી બેઠકોમાંથી ડિગ્રી એન્જિનિયરિંગની ૯૨% અને ડિપ્લોમા એન્જિનિયરિંગની ૮૯%થી વધુ બેઠકો વર્ષ ૨૦૨૪ના પ્રવેશમાં ભરાઈ ગઈ છે. આ રિસ્ટ્રક્ચરિંગના પરિણામે ૧૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને સરકારી સંસ્થામાં પ્રવેશનો લાભ મળ્યો છે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને અંદાજે રૂ. ૩૫ કરોડની બચત થઈ છે.
રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં ઇમર્જિંગ બ્રાન્ચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ (ML) અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિદ્યાશાખામાં ૧૦૦ ટકા બેઠકો ભરાઈ છે. જ્યારે IC, EC, રોબોટિક્સ અને મિકેનિકલ જેવી કોર બ્રાન્ચમાં ૯૨ ટકાથી વધુ બેઠકો ભરાઈ છે.
વર્તમાન સમયમાં ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમા પછી ડિગ્રી પણ કરતા હોય છે. જેમાં પ્રવેશ વર્ષ ૨૦૨૩ની સરખામણીએ સરકારી પોલિટેકનિક કોલેજોની બેઠકોમાં રિસ્ટ્રક્ચરિંગ કરવાથી ૮૯%થી વધુ બેઠકો ભરાઈ છે. આ અંતર્ગત સરકારી પોલિટેકનિક કોલેજોમાં સિવિલ, મિકેનિકલ, આઈ.ટી. અને ઇમર્જિંગ એન્જિનિયરિંગની વિદ્યાશાખામાં ૮૦%થી વધુ જ્યારે ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઇ.સી. બ્રાન્ચમાં ૧૦૦% બેઠકો ભરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને સરકારી એન્જિનિયરિંગ કોલેજો અને ડિપ્લોમા ડિગ્રીમાં વર્ષ ૨૦૨૨થી વિવિધ નવા ઇમર્જિંગ ટેકનોલોજીના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાત મુજબ રિસ્ટ્રક્ચરિંગ કરીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવે છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
