તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 17th April 2025
વર્લ્ડ હેરિટેજ ડે પર વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય બન્યું સાંસ્કૃતિક વારસાનું સીમાચિહ્ન : ૭૫ દિવસમાં ૩૨,૦૦૦ લોકોએ લીધી મુલાકાત
ભારતનું પ્રથમ પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય વડનગરની ૨૫૦૦ વર્ષ જૂની ઐતિહાસિક યાત્રાનું પ્રતિબિંબ : થીમેટિક ગેલેરીઓ અને અનુભવાત્મક પ્રદર્શનો બન્યા આકર્ષણનું કેન્દ્ર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને સાકાર કરતું ઉત્કૃષ્ટ ઉદાહરણ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે ૨૦૪૭ સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત આ વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. આ પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે અનંત અનાદિ વડનગરમાં આવેલું આર્કિયોલોજીકલ એક્સપિરીયન્સ મ્યુઝિયમ (પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય).
આજે ૧૮ એપ્રિલના વિશ્વ વારસા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડનગરનું આ પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં એક સીમાચિહ્નરૂપ બની ગયું છે. આ સંગ્રહાલય માત્ર ૭૫ દિવસમાં ૩૨,૦૦૦ લોકોની મુલાકાત સાથે સાંસ્કૃતિક પ્રવાસન માટે એક ઉત્તમ ઉદાહરણ બની ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયનું પ્રતિબિંબ:
વડનગર તેના ઐતિહાસિક વારસાને પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયના રૂપમાં સાચવીને બેઠું છે, જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને સાકાર કરતું આ ભારતનું પ્રથમ પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થળ વડનગરમાં સ્થિત આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧ ફેબ્રુઆરીથી મ્યુઝિયમ લોકો માટે ખૂલતાં જ માત્ર ૭૫ દિવસમાં કુલ ૩૨,૦૦૦ લોકોએ તેની મુલાકાત લીધી હતી, જે સાંસ્કૃતિક પ્રવાસન માટે એક દ્રષ્ટાંતરૂપ સિદ્ધિ છે. આ મુલાકાતીઓમાં લગભગ ૨૮% વિદ્યાર્થીઓ અને વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. બાકીના મુલાકાતીઓમાં બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે, જે દરેક વ્યક્તિ માટે સુલભતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વડનગરની ૨૫૦૦ વર્ષોની ઐતિહાસિક યાત્રાનો અનુભવ:
આ સંગ્રહાલય વડનગરના ૨૫૦૦ વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ છે, જેમાં કલા, સ્થાપત્ય, વેપાર, શહેરી આયોજન અને શાસનનું અનોખું મિશ્રણ જોવા મળે છે. મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને કારણે વડનગર હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ તમામ ઐતિહાસિક ખાસિયતોને ધ્યાનમાં રાખીને આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. ₹૨૯૮ કરોડના ખર્ચે નિર્મિત આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ ૧૨,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. પ્રવાસીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ કરાવવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે, સાથે જ અન્ય પ્રવાસન સુવિધાઓ પણ વિકસિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી ૯ થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો ધરાવતું આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસના શોખીનો માટે એક અમૂલ્ય ભેટ સમાન છે.
વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય આંતરરાષ્ટ્રીય વારસા દિવસની ભાવના સાથે સંપૂર્ણપણે સુસંગત છે, જે ભારતના સમૃદ્ધ પુરાતત્વીય અને સાંસ્કૃતિક વારસા તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરે છે. ટેક્નોલોજી, વારસા અને શિક્ષણનો અનોખો સમન્વય ધરાવતું આ સંગ્રહાલય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની સાથે ભાવિ પેઢીઓને પણ શિક્ષિત કરશે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
