<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

મેટ્રો મુસાફરો માટે અગત્યના સમાચાર : અમદાવાદ - ગાંધીનગર મેટ્રો સેવા શનિવાર તા. 19નાં આંશિક રીતે સ્થગિત!

કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીના નિરીક્ષણને પગલે મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-૧/ગિફ્ટ સિટી વચ્ચે સેવાઓ થોડા કલાકો માટે બંધ રહેશે

અમદાવાદ: અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરતા મુસાફરો માટે આગામી તારીખ ૧૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ આંશિક રીતે સેવા સ્થગિત રહેશે. મેટ્રો રેલ સલામતી કમિશનર (CMRS) દ્વારા ગાંધીનગર રૂટ પર નિરીક્ષણ કરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિગતો અનુસાર, કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) તારીખ ૧૯/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકથી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી ગાંધીનગર રૂટનું સઘન નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણ મોટેરા સ્ટેડિયમથી સચિવાલય/ગિફ્ટ સિટી સુધીના સમગ્ર રૂટ પર કરવામાં આવશે. સલામતીને સર્વોપરી રાખવાના ભાગરૂપે, આ સમયગાળા દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-૧/ગિફ્ટ સિટી વચ્ચેની તમામ મેટ્રો ટ્રેન સેવાઓ સ્થગિત રહેશે.

જો કે, મુસાફરો માટે રાહતના સમાચાર એ છે કે બપોરે ૧૨:૩૦ વાગ્યા બાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની તમામ મેટ્રો ટ્રેનો તેમના નિયત સમયપત્રક મુજબ દોડતી થશે. એટલે કે, બપોર પછી મુસાફરો રાબેતા મુજબ મેટ્રો સેવાનો લાભ લઈ શકશે.

વધુમાં, અમદાવાદ શહેરમાં ચાલતી અન્ય મેટ્રો સેવાઓ, જેમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMC થી મોટેરા સ્ટેડિયમ સુધીની સેવાઓનો સમાવેશ થાય છે, તે તારીખ ૧૯/૦૪/૨૦૨૫ ના રોજ પણ રાબેતા મુજબ કાર્યરત રહેશે. આ રૂટ પરની ટ્રેનોના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સ્થગિત સેવા ફરી શરૂ થયા બાદ, તારીખ ૧૯/૦૪/૨૦૨૫ ના રોજ સેક્ટર-૧ થી મોટેરા સ્ટેડિયમ તરફ જતી પહેલી ટ્રેન બપોરે ૧૨:૫૮ કલાકે ઉપડશે, જ્યારે મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-૧ તરફ આવતી પહેલી ટ્રેન બપોરે ૧૩:૧૨ કલાકે ઉપડશે. મુસાફરોને આ સમય નોંધ લેવા અનુરોધ કરવામાં આવે છે.

મેટ્રો સત્તાવાળાઓએ મુસાફરોને આ અગવડતા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને સહકારની અપેક્ષા રાખી છે. સલામત અને સુવિધાજનક મેટ્રો સેવા સુનિશ્ચિત કરવા માટે આ નિરીક્ષણ આવશ્યક છે.

 

(5:20 PM IST)