<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

સુરતમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું:9.71 લાખની કિંમતના 97.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ

ખટોદરા પોલીસની ટીમે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલથી સોશિયો સર્કલ તરફ આવતા સર્વિસ રોડ પરથી આરોપી જલાલુદીન ઈસ્માઈલ શેખને ઝડપી પાડ્યો

સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ખટોદરા પોલીસની ટીમે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 9,71,500 રૂપિયાની કિમંત નું 97.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં ખટોદરા પોલીસની ટીમે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલથી સોશિયો સર્કલ તરફ આવતા સર્વિસ રોડ પર એક ઇસમ મોપેડ પર એમડી ડ્રગ્સ સાથે રાખી વેચાણ કરવા આવનાર છે. બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને આરોપી જલાલુદીન ઈસ્માઈલ શેખને ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેની પાસેથી 9,71,500 રૂપિયાની કિમંતનું 97,150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 1750, પ્લાસ્ટિકની ઝીપવાળી થેલીઓ 20 નંગ, એક મોપેડ મળી કુલ 10,01,300 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર ભાઠેના ખાતે રહેતા સોહેબ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

DCP વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું મોપેડ રોકાવીને ચેક કરવામાં આવ્યું હતું જેમાં ડીક્કીમાંથી એમડી ડ્રગ્સ જેવું માદક પદાર્થ મળી આવ્યું હતું. એના પછી તરત જ સીનીયર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી તેમજ એફએસએલ અને સરકારી પંચોને જાણ કરવામાં આવી હતી. સરકારી પંચોની હાજરીમાં એફએસએલએ તપાસ કરતા સફેદ કલરનો નશીલો પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું અને આરોપીને અટક કરવામાં આવ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે આરોપીનું નામ જલાલુદીન ઈસ્માઈલ શેખ છે. તે ફર્નીચરનું મજુરી કામ કરે છે અને વરીયાળી બજારનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં તેણે જણાવ્યું હતું કે ભાઠેનાનો સોહેબ નામના વ્યક્તિ પાસેથી તેણે ખરીદ્યું છે. જલાલુદીન શેખ પર એક જુનો ગુનો પણ 11 ગ્રામ એમડી નો લાલગેટ પોલીસ મથકમાં દાખલ છે જેમાં 6 માસ સુધી તે લાજપોર જેલમાં હતો અને તેમાં જામીન મળ્યા બાદ 3 માસ સુધી ફર્નીચરનું કામ કર્યું હતું અને બાદમાં ફરીથી ડ્રગ્સનું કામ શરુ કરી દીધું હતું.

તેના મોબાઈલની ચકાસણી કરતા મોબાઈલમાં વોટ્સએપ અને મોબાઈલનો ડેટા ડીલીટ કરી નાંખ્યો છે જેથી મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવશે અને જે પણ માહિતી મળશે તે મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી વિરુદ્ધમાં જુગારનો પણ એક ગુનો દાખલ છે. આરોપી ક્યાંથી લઇને આવ્યો અને ક્યાં ક્યાં વેચાણ કરતો હતો અને બીજા કોઈ માણસ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે.

વધુમાં જણાવ્યું હતું કે આરોપી પોતે પણ ઉપયોગ કરે છે અને તેની પ્રારંભીક પૂછપરછમાં એવું જણાવે છે કે તે પોતે જ ઉપોયગ કરે છે અને આ ડ્રગ્સ પોતાના ઉપયોગ માટે જ લઈને આવ્યો છે જો કે આટલો મોટો 97 ગ્રામનો જથ્થો પોતાના ઉપયોગ માટે થઇ શકે નહી એટલે આ વાત સ્વીકાર કરવામાં આવશે નહી અને હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(6:42 PM IST)