<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

અમદાવાદના મણિનગરમાં વેપારીના ઘરમાં ટોળકીએ ચોરી કરી: કારણ જાણ્યું તો પોલીસ પણ દંગ રહી ગઈ

સંબંધી અને મિત્રો પાસેથી સારવાર માટે રૂપિયાની માંગણી કરી પરંતુ કોઈએ રૂપિયા ના આપતા તેમજ સહ આરોપીઓને પણ રૂપિયાની જરૂરિયાત હોવાથી ઘરફોડ ચોરીનો પ્લાન બનાવ્યો

અમદાવાદના મણિનગરમાં હાલમાં જ એક વેપારીના ઘરમાં ચોરી થઈ, ચોર ટોળકીએ દાગીના અને ઘરના મંદિરમાં રહેલી માતાજીની મૂર્તિ સહિતની વસ્તુઓ ચોરી કરી, જોકે પોલીસે આરોપીઓને પકડી આ ગુના આચરવા પાછળનું કારણ જાણ્યું તો પોલીસ પણ દંગ રહી ગઈ હતી. 

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રામબાગ પાસે આવેલી જય નગર સોસાયટીમાં રહેતા અને શોરૂમ કરાવી વેપાર કરતા મહેશભાઈ સોનીના મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. અજાણ્યા વ્યક્તિઓએ તેમના ઘરમાં પ્રવેશ કરી સોનાની ત્રણ વીંટી, મંદિરમાં રાખેલી માતાજીની મૂર્તિ પૂજાનો ચાંદીનો સામાન અને આઈફોન સહિત 3.20 લાખની મુદ્દામાલની ચોરી કરી હતી. જે મામલે મણીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે 50 જગ્યા ઉપર લાગેલા 150 જેટલા કેમેરા ચેક કરતા નારોલ પાસે એક કેમેરામાં એક રીક્ષા કેદ થઈ હતી. જેના નંબરના આધારે તપાસ કરતા તે રીક્ષા હાલ મુસ્તફા શેખ નામનો યુવક વાપરતો હોવાની હકીકત સામે આવી હતી. જે યુવકને પકડી તપાસ કરતા તેણે આ ગુનાની કબુલાત કરી હતી. મુસ્તુફા શેખ અને તેની સાથે સમીરખાન પઠાણ, સરફરાજ અન્સારી અને મોહસીન શેખ આ ત્રણેય જણાએ ભેગા મળીને આ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓ પાસેથી પોલીસે 5 લાખ 47 હજારથી વધુનો ચોરીના મુદ્દામાલ રિકવર કર્યો હતો, મણિનગર પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર આરોપી સમીરખાન ઉર્ફે કાણિયો પઠાણ છે. આરોપીને પોતાના પગમાં સળીયો નાખ્યો હોય તેણે પોતાના સંબંધી અને મિત્રો પાસેથી સારવાર માટે રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ કોઈએ રૂપિયા ના આપતા તેમજ સહ આરોપીઓને પણ રૂપિયાની જરૂરિયાત હોવાથી તેઓએ ઘરફોડ ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને મણીનગર વિસ્તારમાં આ ચોરીને અંજામ આપ્યો હતો. 

ઝડપાયેલા આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર સમીરખાન પઠાણ ભૂતકાળમાં 14 જેટલા ચોરીના ગુનામાં પકડાયો છે અને મુસ્તફા શેખ આઠ જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં તેમજ મોહસીન શેખ 10 જેટલા ચોરીના ગુનામાં પકડાયો છે અને તે આંતર જિલ્લા ગુનેગાર છે. તેની સાથે સરફરાજ ઉર્ફે દત્તુ અન્સારી પણ અગાઉ ખૂનની કોશિષ, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા ગુનામાં પકડાઈ ચૂક્યો છે. તેવામાં હાલ તો પોલીસે ગણતરીનાં કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની પુછપરછ શરૂ કરી છે.

(7:44 PM IST)