News of Thursday, 17th April 2025
અમદાવાદમાં સગાઇ બાદ રાજસ્થાનના યુવકે લગ્નની લાલચ આપી ઠંડાપીણામાં કેફી પદાર્થ ભેળવી બેભાન કરી દુષ્કર્મ આચર્યુ
તારા નગ્ન ફોટા મારી પાસે પડ્યા છે આ અંગે કોઇને જાણ ન કરતી તેવી ધમકી આપી બાદમાં યુવકે લગ્ન કરવાની મનાઇ કરી

અમદાવાદના શાહીબાગમાં રહેતી યુવતીની રાજસ્થાનના યુવક સાથે સગાઇ થઇ હતી. જે બાદ યુવકે લગ્નની લાલચ આપીને ઠંડાપીણામાં કેફી પદાર્થ ભેળવીને બેભાન કરીને દુષ્કર્મ આચર્યુ હતું. આટલું જ નહિ અનેકવાર દુષ્કર્મ આચરીને અનૈતિક સંબંધ પણ બાંધ્યો હતો. તેમજ તારા નગ્ન ફોટા મારી પાસે પડ્યા છે આ અંગે કોઇને જાણ ન કરતી તેવી ધમકી આપી હતી. બાદમાં યુવકે લગ્ન કરવાની મનાઇ કરી હતી. આ અંગે યુવતીએ યુવક સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
શાહીબાગમાં રહેતી સૃષ્ટિ ( નામ બદલેલ છે)ના લગ્ન રાજસ્થાન ખાતે થયા હતા, પરંતુ પતિ સાથે મન મેળ ન હોવાને કારણે વર્ષ 2022માં છુટાછેડા લીધા હતા. ત્યારબાદ વર્ષ 2024માં રાજસ્થાન ખાતે સમાજનું સંમેલન હતુ, ત્યારે સૃષ્ટિનો સંપર્ક તેના જ સમાજના રાજેશ શાહ સાથે થયો હતો. પછી રાજેશ અમદાવાદ આવ્યો હતો. ત્યારે સૃષ્ટિની માતાએ જણાવ્યું હતું કે, અમારી પરિસ્થિતિ સારી નથી તેથી દહેજ નહીં આપી શકીયે. બાદમાં બન્ને પરિવાર લગ્ન કરવા તૈયાર થઇ ગયા હતા અને સગાઇ કરાવી હતી. બાદમાં સૃષ્ટિ પોતાના વતન રાજસ્થાન ગઇ હતી. ત્યારે ત્યાં રાજેશ આવ્યો હતો અને પોતાની સાથે ઠંડાપીણામાં કેફી પદાર્થ ભેળવ્યો હતો. જે ઠંડુ પીણુ સૃષ્ટિએ પીતા જ બેભાન થઇ હતી. તે ભાનમાં આવી ત્યારે માથામાં દુઃખાવો થતો હતો. તેની પોતાની સાથે કંઇ અજુગતુ થયું હોવાનો તેને અહેસાસ થયો હતો. જેથી તેણીએ રાજેશને ઘટના વિશે પૂછ્યું હતું ત્યારે રાજેશે તેને જણાવ્યું કે આપણી સગાઇ થઇ ગયેલી છે. આપણા હવે ટુંક સમયમાં લગ્ન થવાના છે, અને તું માને નહી જેથી મે તારી જાણ બહાર આ કામ કર્યું છે. તુ તારી માતાને કહેતી નહી.
ત્યારબાદ અવાર નવાર રાજેશે સૃષ્ટિ સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ગત 14 જાન્યુઆરીએ રાજેશે અનૈતિક સબંધ બાંધતા સૃષ્ટિએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે રાજેશે જણાવ્યું હતું કે, તારા નગ્ન ફોટા મારી પાસે છે. તારી મમ્મીને કોઇ વાત કરતી નહી અને જો કહીશ તો તારી સાથે લગ્ન કરીશ નહી. જેથી સૃષ્ટિએ કોઇને વાત કરી ન હતી. બીજી તરફ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટથી ચેક કરતા તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે રાજેશને કહેતા તેણે કહ્યું હતું કે આપણા લગ્ન થયા નથી તો હાલમાં બાળકની જરૂર નથી કહીને ગર્ભપાત કરાવ્યો હતો. બાદમાં રાજેશે ફોન બંધ કરીને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ અંગે સૃષ્ટિએ રાજેશ સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
