<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

કાલે મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો ટ્રેન સેવા બપોર સુધી બંધ રહેશે

કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા ગાંધીનગર રૂટનું નિરીક્ષણ કરવાના હોવાથી સવારે 8:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી કામચલાઉ ધોરણે બંધ રહેશે

અમદાવાદ :મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો ટ્રેન સેવા તારીખ 19 એપ્રિલના રોજ સવારે 8:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી કામચલાઉ ધોરણે બંધ રહેશે.

હાલમાં, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સવારે 8:00થી રાત્રે 8:14 સુધી કાર્યરત છે. પરંતુ કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા ગાંધીનગર રૂટ (મોટેરા સ્ટેડિયમથી સચિવાલય/ગિફ્ટ સિટી)નું નિરીક્ષણ કરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિરીક્ષણ તારીખ 19 એપ્રિલના રોજ સવારે 8:00થી બપોરે 12:30 સુધી ચાલશે.

આ સમયગાળા દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, બપોરે 12:30 પછી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની તમામ મેટ્રો ટ્રેનો તેમના નિયમિત સમયપત્રક અનુસાર શરૂ થશે.

તારીખ 19 એપ્રિલના રોજ, સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ તરફ જતી પહેલી ટ્રેન બપોરે 12:58 કલાકે ઉપડશે, જ્યારે મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 તરફ જતી પહેલી ટ્રેન બપોરે 1:12 કલાકે ઉપડશે.

મહત્વની વાત એ છે કે અમદાવાદ શહેરની અંદર ચાલતી મેટ્રો ટ્રેન સેવાઓ (વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMCથી મોટેરા સ્ટેડિયમ) આ સમયગાળા દરમિયાન પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ ફેરફાર ફક્ત મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચેની સેવાને જ લાગુ પડે છે.

(12:19 AM IST)