<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

પીડિતા વિશ્વસનીય સાક્ષી ન હોવાથી તેની જુબાની આરોપીને દોષી ઠેરવવા માટે પૂરતી નથી

ઓલપાડ પોલીસ સ્‍ટેશનના પોક્‍સોના આરોપીને નિર્દોષ છોડવાના આદેશને બહાલ રાખતો હાઇકોર્ટનો ચુકાદો : માત્ર પીડિતાની જુબાની પોતે જ એવા નિષ્‍કર્ષ પર આવવાનો આધાર ન હોઈ શકેઃ હાઇકોર્ટે

અમદાવાદ,તા.૧૮: સગીર પ્રેમીકા સાથે ભાગી જઇ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના કેસમાં હાઇકોર્ટે આરોપી પ્રેમીને નિર્દોષ મુક્‍ત કરવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો બહાલ રાખ્‍યો છે. હાઇકોર્ટની ખંડપીઠે પોક્‍સોના કાયદા ઉપરાંત વિવિધ કલમો હેઠળ આરોપીને નિર્દોષ જાહેર કરતા આદેશ સામેની સરકારની અપીલ રદ કરી છે અને ટ્રાયલ કોર્ટના ચુકાદામાં હસ્‍તક્ષેપનો ઇનકાર કર્યો છે.

હાઇકોર્ટના જસ્‍ટિસ એ.વાય. કોગજે અને જસ્‍ટિસ સમીર જે. દવેની ખંડપીઠે આદેશમાં એવું મહત્ત્વનું અવલોકન કર્યું છે કે,‘પીડિતા વિશ્વસનીય સાક્ષીની શ્રેણીમાં આવતી નથી અને તેથી તેના પુરાવા પૂરતા ગણાય નહીં. આવા સંજોગોમાં પીડિતાની જુબાની આરોપીને દોષિત ઠેરવવા માટે પૂરતો પુરાવો કહી શકાય નહીં. નીચલી અદાલત દ્વારા આરોપીને નિર્દોષ મુક્‍ત કરતા આદેશમાં જે તારણો આપવામાં આવ્‍યા છે એને ઉથલાવી શકાય નહીં.' ખંડપીઠે એમ પણ નોંધ્‍યું છે કે,‘પીડિતાએ આરોપી સાથેના સંબંધો જાહેર કર્યા છે અને તે સગીરવયની હોવાની બાબત પણ નિર્વિવાદ છે. અલબત્ત, માત્ર પીડિતાની જુબાની પોતે જ એવા નિષ્‍કર્ષ પર આવવાનો આધાર ન હોઈ શકે કે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધવામાં આવ્‍યા હતા. તે ઉપરાંત મેડિકલ રિપોર્ટ અને પીડિતાની જુબાનીમાં સામે આવેલા પુરાવા તથા જ્‍લ્‍ન્‍ના રિપોર્ટ વગેરે પીડિતાની જુબાનીની પુષ્ટિ કરતું નથી.'હાઇકોર્ટે વધુમાં એમ નોંધ્‍યું છે કે,‘પીડિતા વિશ્વિસનીય સાક્ષીની શ્રેણીમાં આવતી નથી અને તેના નિવેદનની પુષ્ટિ થતી નથી. તેવા સંજોગોમાં આ કોર્ટ નીચલી કોર્ટના ચુકાદા અને આદેશમાં હસ્‍તક્ષેપ કરવાનું ઉચિત ગણતી નથી. તે ઉપરાંત પીડિતાની જુબાની આરોપીને દોષિત ઠરાવવા માટે પુરતી જણાતી નથી.'

 આ કેસની હકીકત એવી છે કે પીડિતાની માતાએ સુરત ખાતે ૯મી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ FIR નોંધાવી હતી. જેમાં એવા આક્ષેપ કર્યા હતા કે ૨જી ફેબ્રુઆરીના રોજ પીડિતા ઘરે જ હતી. રાતનું જમવાનું જમીને તે બધા ઊંઘી ગયા હતા. અડધી રાતે પીડિતાના દાદી ઉઠ્‍યા ત્‍યારે જોયું હતુ કે તે ઘરમાં નહોતી. તેથી તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તે કયાંય મળી નહોતી. ઘરનું મુખ્‍ય બારણું બહારથી બંધ હતું. તેથી પીડિતાના પિતાએ તેમના મિત્રને ફોન કરીને બહારથી બારણું ખોલવા બોલાવ્‍યા હતા. ત્‍યારબાદ સોસાયટી અને અન્‍ય સ્‍થળે શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પીડિતાની કોઇ ભાળ મળી નહોતી. જ્‍યારે તેઓ ઘરે પાછા આવ્‍યા ત્‍યારે પીડિતાના તકીયા નીચેથી એક ચિઠ્ઠીમાં આરોપીનો મોબાઇલ નંબર લખેલો મળ્‍યો હતો. પછીથી એવી જાણ થઇ હતી કે આરોપી તેને લઇને જતો રહ્યો છે. તેમણે ફોન પર પીડિતાનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્‍યારબાદ તેની સાથે ફોન પર સંપર્ક થતો નહોતો. તેથી સમગ્ર મામલે પોક્‍સોના કાયદા અને અન્‍ય કલમો હેઠળ ઓલપાડ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.(૪૦.૫)

(10:21 AM IST)