<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ગુજરાત સમાચારના ડિરેકટર અને પત્રકારત્‍વના સંચાલન મંડળમાં તેજસ્‍વી તારલાની જેમ ચમકતા સ્‍મૃતિબેન શાહનું દુઃખદ નિધન

નારી પ્રતિભાનો એક યુગ સમાપ્તઃ અદભૂત નિર્ણય ક્ષમતા અને કુશળ મેનેજમેન્‍ટ કર્તા તરીકે આગવી ઓળખ ઉભી કરી હતી. : સ્‍મૃતિબેનનું વ્‍યકિતત્‍વ પોલાદી, ઉપરથી વ્રજ્ર સમાન કઠોર અને કુસુમથી પણ કોમળ હતુઃ સ્‍વભાવે સ્‍પષ્‍ટ વકતા હતાઃ સદગતની અંતિમયાત્રામાં સમાજના તમામ વર્ગના શ્રેષ્‍ઠીઓ સહિતનાઓની વિશાળ ઉપસ્‍થિતિ

અમદાવાદ તા.૧૮: ગુજરાતી અખબાર ગુજરાત સમાચારનાં ડિરેક્‍ટર સ્‍મૃતિબેન શાહનું ગઇકાલે સાંજે અવસાન થયું છે. તેઓનું નામ ગુજરાતી પત્રકારત્‍વનાં સંચાલક મંડળમાં ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. ગુજરાત સમાચાર સાથે જોડાયેલાં સ્‍મૃતિ શાહ તેમની અદભૂત નિર્ણયક્ષમતા અને મેનેજમેન્‍ટ કુશળતાને કારણે જાણીતાં બન્‍યાં હતાં. ગુજરાત સમાચાર દ્વારા મહિલા સાપ્તાહિક ‘‘શ્રી''શરૂ કરીને જાણે સ્‍મૃતિબહેને ગુજરાતી લેખિકાઓને નવી દિશા અને પ્‍લેટફોર્મ પૂરું પાડ્‍યું હતું. ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રેયાંસભાઈ શાહનાં ધર્મપત્‍ની તરીકે પણ તેઓએ જિંદગીભર આદર્શ ભૂમિકા અદા કરી. 

ગઇકાલે સાંજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતી અખબારી સંચાલકોમાં એક નારી તરીકે તેઓએ ઉજ્જવળ કામગીરી બજાવી છે. તે હંમેશને માટે યાદ રાખવામાં આવશે. સ્‍મૃતિબહેને સતત ગુજરાત સમાચારના મેનેજમેન્‍ટમાં ભાગ લઈ વ્‍યવસ્‍થાપન વિદ્યા અને આધુનિક પ્રણાલિકા તેઓએ પોતાની આત્‍મસુઝથી વિકસાવી હતી. આ સાથે જ તેઓએ નવી પેઢીનાં પત્રકારોનાં ઘડતરમાં બહુ જ અમૂલ્‍ય ફાળો આપ્‍યો છે.

આ સાથે જ તેઓ કલાપ્રેમી પણ હતાં. SCC એટલે કે (સ્‍મૃતિ શાહ કલ્‍ચરલ સેન્‍ટર) કે જેને કળા સ્‍મૃતિ તરીકે પણ ઓળખ મળી છે તેની વાત કરવામાં આવે તો તેની સ્‍થાપના પણ સ્‍મૃતિ શાહને જ આભારી છે. આ કળાસ્‍મૃતિની વિગતે વાત કરવામાં આવે તો આ પ્‍લેટફોર્મ થકી ગુજરાતની સર્જક પ્રતિભાઓને મંચ મળી રહ્યું છે. જેમાં જૂની પેઢીના અનુભવ લઈને આજની તરોતાજા નવી પેઢી ઊર્જાવાન બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નાટક, અભિનય, નળત્‍ય, સંગીત, ગાયન, વાદન, સાહિત્‍ય, ભાષા જેવા નવરસની અભિવ્‍યક્‍તિના બધા જ આયામોને અવકાશ મળી રહે છે. શ્રેષ્ઠ પ્રોજેક્‍ટ્‍સ, ફેસ્‍ટિવલ્‍સ, ઇવેન્‍ટ્‍સના આયોજનો સાથે અફલાતૂન કાર્યક્રમો થકી નવા જ યુવા ઓડિયન્‍સનું ઘડતર કરવાનું કામ સ્‍મૃતિ શાહ કલ્‍ચરલ સેન્‍ટર કે કળાસ્‍મૃતિને જ આભારી કહી શકાય.

સ્‍મૃતિબેન શાહ ની વિદાય પર પરેશ ઠક્કર લખે છે કે, અમારી સ્‍ટાફની વાત કરીએ તો અમે એમને  ભાભી કહેતા. ઉંમરમાં મોટા, પણ વર્ષોથી સ્‍ટાફના લોકો એમને ભાભી જ કહે. નવો સ્‍ટાફ આવે એટલે સૌ એ નામથી જ સંબોધન કરે. તેઓ એવા તટસ્‍થ વ્‍યક્‍તિત્‍વ ધરાવતા કે જેઓએ હંમેશા પોતાના કરતાં પહેલાં વાચકનો વિચાર કરતાં. કદાચ સ્‍ટાફની વાત પહેલાં ના સાંભળે પણ વાચકને કયારેય દુઃખ ન થવા દે. તેવો એમનો સ્‍વબહવ હતો. રાત્રે પેપરની હેડલાઇન વાંચીને સુવાનું, કયારેય કોઈ દિવસ ધંધામાં કોઈની જોડે સ્‍પર્ધા નહીં કરવાની, ઘણા વર્ષો સુધી ઓફિસની પ્રિમાઈસીસમાં જ ઉપર ઘર બનાવેલું ત્‍યાં જ રહેવાનું, કદાચ રાત્રે નિંદર ન આવે તો નીચે આંટો મારવા આવી જતા, આમ એવુ કહેવાય કે તેઓ એકદમ ચોખ્‍ખા દિલવાળા હતાં માત્ર ગુજરાત સમાચાર પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર અખબારી આલમ માટે તેમના અવસાનથી સૌ કોઈ ખાલીપો અનુભવશે.

સ્‍મૃતિભાભીના હુલામણા નામે અત્‍યંત લોકપ્રિય બનેલાં આ મહિલા તંત્રીએ ગુજરાત સમાચારના મહિલા સાપ્તાહિક ‘શ્રી'નું સુકાન ચાર દાયકાથી વધુ સમય માટે સંભાળ્‍યું હતું.  સાહિત્‍ય અને પત્રકારત્‍વ બંને ક્ષેત્રે સવ્‍યસાચી ગણાતાં સ્‍મૃતિભાભી બહુમુખી પ્રતિભા ધરાવતાં હતાં. તેમનું  વ્‍યક્‍તિત્ત્વ પોલાદી, ઉપરથી વજ્ર સમાન કઠોર અને કુસુમથી પણ કોમળ હતું. સ્‍વભાવે સ્‍પષ્ટ વક્‍તા ગણાતાં સ્‍મૃતિભાભીની નિર્ણય લેવાની ક્ષમતા બેમિસાલ હતી. ગુજરાત સમાચાર પરિવાર માટે તેઓ સંકટમોચક ગણાતાં. અત્‍યંત વિકટ પરિસ્‍થિતિમાં જળકમળવત્‌ રહીને ઘડીના છઠ્ઠાભાગમાં ત્‍વરિત નિર્ણય લેવાની તેમની કોઠાસૂઝ અનન્‍ય હતી.  કોઈની પણ શેહશરમમાં આવ્‍યા સિવાય  પોતાનો નીરક્ષીર વિવેક દાખવીને તેઓ  કોઈપણ બાબતનો ફેંસલો કરતાં. સ્‍મૃતિભાભીની સ્‍મરણ શક્‍તિનો જોટો જડે તેમ નથી. એ દૃષ્ટિએ તેમનું નામ ‘સ્‍મૃતિ' સાર્થક ગણી શકાય. ભાષાશુદ્ધિ, ઉચ્‍ચારશુદ્ધિ, વાકયરચનામાં સર્જનાત્‍મકતાના તેઓ આગ્રહી હતાં. રસોઈકળામાં અત્‍યંત માહેર હોવા ઉપરાંત સંગીત, ફેશન, ડિઝાઈનિંગ અને લેટેસ્‍ટ ટ્રેન્‍ડ સાથે તેઓ સતત તાલ મિલાવતાં રહેતાં. તેઓની વાંચન ક્ષમતા સવિશેષ હતી. સાથોસાથ  ધાર્મિક અને આધ્‍યાત્‍મિક વળત્તિ પણ...ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રેયાંસભાઈ સાથે આજીવન ખભેખભો મિલાવીને જીવનયાત્રા કંડારનાર સ્‍મૃતિભાભીની વિદાયથી બાહુબલીભાઈ શાહ, નિર્મમભાઈ અને અમમભાઈ અને  નિકટનાં પરિવારજનોએ જ નહીં,  ગુજરાતી અખબારી જગતે એક તોહીજન ગુમાવ્‍યાં છે. નવી પેઢીના યુવાન પત્રકારોએ પોતાનો એક રાહબર ગુમાવ્‍યો છે.

 આજે સવારે તેમની અંતિમયાત્રા જીએસટીવી હાઉસ ખાતેથી નીકળી હતી જેમાં સમાજના તમામ વર્ગના શ્રેષ્‍ઠીઓ , રાજકીય હસ્‍તીઓ, પત્રકાર જગતના લોકો, પરિવારના સભ્‍યો, સ્‍ટાફ વગેરે જોડાયા હતા અને સદગતને અશ્રુભીની વિદાઇ આપી હતી. અકિલા પરિવારે ૨ મિનિટ મૌન પાળી સદગતને શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા. (૩૮.૧૨)

(10:51 AM IST)