<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

NEET-PG-2025 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ : આગામી 7મી મે સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

NBE દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન મુજબ આગામી 15મી જૂનના રોજ બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે અને 15મી જુલાઈના રોજ પરિણામ જાહેર કરાશે

 

અમદાવાદ :MBBS બાદ પીજી મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટેની NEET-PG-2025 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગામી 7મી મે સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. NBE દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન મુજબ આગામી 15મી જૂનના રોજ બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે અને 15મી જુલાઈના રોજ પરિણામ જાહેર કરાશે.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) દ્વારા NEET-PG-2025નું નોટિફિકેશન જાહેર કરાયું છે. NBEએ જાહેર કરેલા નોટિફિકેશન મુજબ તારીખ 17 એપ્રિલથી 7મી મે રાતના 11.55 વાગ્યા સુધીમાં ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આગામી તારીખ 15મી જૂનના રોજ બે શિફ્ટમાં પરીક્ષા યોજાશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવેદનપત્રમાં સુધારા વધારા કરવા માટે તારીખ 7 મેથી તારીખ 13 મે સુધી પોર્ટલ ઓપન રાખવામાં આવશે.

ઉમેદવારોને એક્ઝામિનેશન સેન્ટરની જાણકારી તારીખ 2 જૂનના રોજ આપવામાં આવશે. એ પછી પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટેના એડમિટ કાર્ડ તારીખ 11મી જૂનના રોજ જાહેર કરાશે. બે શિફ્ટમાં યોજાનારી આ પરીક્ષા પ્રથમ શિફ્ટનો સમય સવારે 9 વાગ્યાથી બપોરના 12.30 અને સેકન્ડ શિફ્ટનો સમય બપોર 3.30 વાગ્યાથી સાંજના 7 વાગ્યાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, મેડિકલમાં એમડી, એમએસ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામમાં પ્રવેશ માટે નીટ-પીજી લેવામાં આવે છે. સાડા ત્રણ કલાકની આ પરીક્ષા ઓનલાઈન મોડથી લેવામાં આવશે.

(1:11 PM IST)