News of Friday, 18th April 2025
AMC સાબરમતી નદીમાં ડેડ બોડી, કિંમતી વસ્તુ શોધવા માટે એક કરોડના ખર્ચે ડીપ ટ્રેકર અંડર વોટર રોબોટ ROV ખરીદશે
રાત્રિના સમયે અંધારામાં નદીમાં 200 મીટર એટેલે કે 600 ફૂટ ઊંડાઈએ પણ ડેડ બોડી કે કિંમતી ચીજવસ્તુ શોધી કાઢવાની ક્ષમતા ધરાવતા આ ડીપ ટ્રેકર અંડરવોટર ROV ‘મેઈડ ઈન ઈન્ડિયા' છે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી નદીમાં ડેડ બોડી, નદીમાં પડી ગયેલી કિંમતી વસ્તુ શોધી કાઢવા માટે રૂપિયા 1 કરોડના ખર્ચે ડીપ ટ્રેકર અંડર વોટર રોબોટ ROV (Recately Operated Vehicle) ખરીદવામાં આવશે. AMC દ્વારા ભવિષ્યમાં બેથી ત્રણ ડીપ ટ્રેકર વસાવવામાં આવશે. રાત્રિના સમયે અંધારામાં નદીમાં 200 મીટર એટેલે કે 600 ફૂટ ઊંડાઈએ પણ ડેડ બોડી કે કિંમતી ચીજવસ્તુ શોધી કાઢવાની ક્ષમતા ધરાવતા આ ડીપ ટ્રેકર અંડરવોટર ROV ‘મેઈડ ઈન ઈન્ડિયા' છે.
પોલીસ, CBI સહિતની એજન્સીઓ દ્વારા પણ આ ડીપ ટ્રેકરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કારણ કે ગુના બાદ આરોપીઓએ નદીમાં ફેંકેલા હથિયારો શોધવામાં પણ મદદ મળે છે. ડીપ ટ્રેકર વસાવવાને પરિણામે નદીના ઊંડા પાણીમાં અને રાત્રીના સમયે પણ કોઈપણ પ્રકારના અવરોધ વિના શોધખોળ કરવાની કામગીરી હાથ ધરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ફતેવાડી કેનાલમાં ત્રણ યુવકો ડૂબી ગયા હતા અને રાત્રિનો સમયે આ દુર્ઘટના સર્જાઈ હોવાને કારણે તેઓને શોધી શકાયા નહોતા અને બીજા દિવસે સવારે તેઓના મૃતદેહ મળ્યા હતા. નદી, નાળા કે તળાવમાં જો રાત્રિના સમયે કોઈ વ્યકિત ડૂબી ગયો હોય તો તેને શોધવા માટે તરવૈયાઓને ખૂબજ તકલીફ પડતી હોવાની બાબતને ધ્યાનમાં લઈને હવે AMC દ્વારા અદ્યતન ટેકનોલોજીવાળું ROV ડીપ ટ્રેકર રોબોટ વસાવવાનું નક્કી કર્યું છે.
ફાયર વિભાગ માટે ખૂબ જ મહત્વનું ગણાતું એવું આ ડીપ ટ્રેકર રોબોટ રાત્રિના સમયે નદીમાં રહેલા મૃતદેહ અથવા તો કોઈપણ ચીજ વસ્તુને 200 ફુટ ઊંડાઈ શોધી કાઢશે. નદી, તળાવ કે દરિયામાં કોઇ દુર્ઘટના સર્જાય ત્યારે રાહત-બચાવ કામગીરીમાં મદદરૂપ બની શકે અને પાણીમાં અનેક ફૂટ ઉડે કોઇ ચીજવસ્તુ શોધવા માટે અતિઆધુનિક એવા ડીપ ટ્રેકર રોબોટ ખરીદવામાં આવશે.
બે વર્ષ પહેલા મોરબીમાં ઝુલતા બ્રિજની સર્જાયેલી દુર્ઘટના સમયે નદીમાં ખાબકેલા નાગરિકોને શોધવા માટે ડીપ ટ્રેકરનો સફળ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડીપ ટ્રેકરની મદદથી રાત્રિના સમયે લગભગ 12થી વધુ ડેડ બોડી શોધી કાઢવામાં આવી હતી.
ડીપ ટ્રેકર રોબોટ જેવા આધુનિક ટેકનોલોજી ધરાવતાં સાધનનો કેનેડિયન નેવી, યુએસ નેવી, બ્રિટિશ રોયલ નેવી, નોર્વેજીયન નેવી, ઓસ્ટ્રિયન નેવી, ટોરેન્ટો પોલીસ, વોશિંગ્ટન સ્ટેટ પોલીસ સહિતનાં અનેક દેશ અને શહેરોની પોલીસ ઉપયોગ કરે છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
