News of Friday, 18th April 2025
ગુજરાતમાં કોંગ્રેસ-આપ ગઠબંધનની ચર્ચાઓ પર પૂર્ણવિરામ : શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન
વિસાવદર અને કડી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ સ્વતંત્ર રીતે લડશે

અમદાવાદ: ગુજરાતના રાજકીય પટલ પર આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસના સંભવિત ગઠબંધન અંગે ચાલતી ચર્ચાઓ પર ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પૂર્ણવિરામ મૂક્યું છે. શક્તિસિંહ ગોહિલે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે અને વિસાવદર તથા કડીની પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને મેદાને ઉતારશે.
બીજી તરફ, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની રણનીતિને વેગ આપવાનું શરૂ કર્યું છે. પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને મજબૂત કરવા નેતા ગુલાબસિંહ યાદવને રાજ્યના સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત, વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આપે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ બેઠક ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ખાલી પડી હતી.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, કેન્દ્રીય સ્તરે ગઠબંધનની નીતિ હોવા છતાં, રાજ્યોને સ્વતંત્ર નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં આગામી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ, આપ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક માટે ઉમેદવારની વહેલી જાહેરાત કરી દીધી હોવા છતાં, ચૂંટણીની તારીખ હજુ સુધી જાહેર થઈ નથી.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
