<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર : બે દિવસમાં ગરમીમાં ઘટાડો થશે : બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે તેમજ ધૂળની ડમરીઓ ઉડશે

આગામી સાત દિવસ સુધી સૂકું રહેશે, આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. ત્યારબાદ 19 અને 20 એપ્રિલના રોજ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે : હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસ

અમદાવાદ તા.૧૮: ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર આવી શકે છે. આગામી બે દિવસમાં ગરમીમાં ઘટાડો થઇ શકે છે. જોકે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે તેમજ ધૂળની ડમરીઓ ઉડશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી સૂકું રહી શકે છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. ત્યારબાદ 19 અને 20 એપ્રિલના રોજ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે ત્યારબાદ તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા છે. આ બન્ને દિવસે ધૂળની ડમરી ઉડતા પવનો ફૂંકાઈ શકે છે. જેના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને પણ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે.

હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી

હવામાન વિભાગે કરેલી આગામી 7 દિવસની આગાહી અનુસાર, આજે 18 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટમાં હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 19 અને 20 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરીઓ સાથે પવનો ફૂંકાઈ શકે છે. જેના પગલે યલો એલર્ટ અપાયું છે. 21 એપ્રિલે રાજ્યમાં હવામાન સામાન્ય રહી શકે છે. જ્યારે 22થી 24 એપ્રિલ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ગરમ ભેજયુક્ત હવામાન રહી શકે છે.

(4:20 PM IST)