<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

પંચમહાલ જિલ્લામાં ગોધરા-વડોદરા હાઇવે પર ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર પુરુષ અને ત્રણ બાળકોના ઘટનાસ્થળે જ મોત

ચાર લોકોના મોત નીપજતાં હોસ્પિટલ બહાર પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું

ગોધરા તા.૧૮ :  પંચમહાલ જિલ્લામાં અકસ્માતનો બનાવ બન્યો છે. ગોધરા-વડોદરા હાઇવે પર ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં બાઇક સવાર પુરુષ અને ત્રણ બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. અકસ્માતના પગલે સ્થાનિકો આવી પહોંચ્યા હતા. બનાવ અંગે જાણ થતાં પોલીસ પહોચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બોર ગામે રહેતો પરિવાર બાઇક પર ગોધરા-વડોદરા હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. પરિવાર તૃપ્તિ હોટલ નજીક પહોંચ્યો ત્યારે પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. જેમાં બાઇક ચાલક સહિત બાઇક પર સવાર ત્રણ બાળકો હવામાં ફંગોળાયા હતા અને જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 

ગંભીર ઇજા પહોંચતા બાઇક ચાલક સહિત ત્રણ બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. અકસ્માતના પગલે સ્થાનિકો એકત્રિત થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પહોંચી હતી. અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે પોલીસે પૂર્વવત કર્યો હતો. મૃતદેહોને પીએમ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચાર લોકોના મોત નીપજતાં હોસ્પિટલ બહાર પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

(4:50 PM IST)