<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

વિકસિત ભારતના નિર્માણમાં સીએ કોમ્યુનિટીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદમાં 'ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા'ની મેમ્બર્સ મીટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ : વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં સૌથી મોટો ટેક્સ રિફોર્મ આવ્યો હોવાનું નિવેદન

અમદાવાદ : શહેરમાં આયોજિત 'ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા'ની મેમ્બર્સ મીટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આર્થિક અને સામાજિક જીવનની બૌદ્ધિક સંપત્તિ એટલે કે આઈ.પી. તરીકે સીએ કોમ્યુનિટીનું તેમાં મહત્વનું યોગદાન રહેશે. સીએનો વ્યવસાય આજે નાણાં વ્યવસ્થાપન પૂરતો સીમિત નથી, વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી નેતૃત્વના કારણે દેશમાં નાણાકીય શિસ્ત આવી છે અને તેમાંય ગુજરાત પ્રુડન્ટ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં અગ્રેસર બન્યું છે. વડાપ્રધાનએ દેશમાં સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે જટિલ ટેક્સ માળખું અને જરીપુરાણા કાયદાઓને બદલવાનું ભગીરથ કામ પાર પાડ્યું છે. જટિલ પ્રક્રિયા અને શિથિલતાને કારણે લોકો ટેક્સ ભરવા માટે નીરસ રહેતા અને ટેક્સ ન ભરવાના અન્ય વિકલ્પો શોધતા હતા. પરંતુ આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સૌથી મોટો ટેક્સ રિફોર્મ આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનએ 'એક દેશ એક કર'ના મંત્ર સાથે જીએસટી લાગુ કરીને વિશ્વનો સૌથી મોટો ટેક્સ રિફોર્મ કરવાની સફળતા દેશને અપાવી છે. જીએસટી લાગુ થવાથી દેશના કરમાળખામાં રહેલી ક્ષતિઓ દૂર થઈ, આવક વધી અને વિકાસને વેગ મળ્યો છે. માર્ચ-૨૦૨૫નું કુલ જીએસટી કલેક્શન ૧ લાખ ૪૯ હજાર કરોડ થયું છે, જે ગયા વર્ષની સરખામણીએ ૮.૭૯ ટકા જેટલું વધ્યું છે.

ગુજરાતના વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વેપાર-ઉદ્યોગમાં સરળીકરણ સાથે પોલિસી ડ્રીવન સ્ટેટ અને વાઇબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાત વિકાસનું રોલ મોડલ સ્ટેટ બન્યું છે. વિશ્વભરના રોકાણકારોની પ્રથમ પસંદ ગુજરાત છે. ફિનટેક માટે ગ્લોબલ ફાઇનાન્સિયલ હબ ગિફ્ટ સિટી પણ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સીએ પ્રોફેશનલ્સ ગુજરાતને ફાઇનાન્સિયલ આઉટ સોર્સિંગ માટેના સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવામાં યોગદાન આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતે વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખ્યું છે. ગ્રીન ગ્રોથ દ્વારા સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટનું મોડેલ પણ ગુજરાત બન્યું છે. વિવિધ રાજ્યોના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટએ અહીં મેમ્બર્સ મીટમાં ગ્રીન ફાઇનાન્સ, કાર્બન એકાઉન્ટિંગ જેવા વિષયો પર ચર્ચા-મંથન કરવું જોઈએ. આપ સૌના યોગદાનથી ગુજરાત આ વિષયોમાં પણ વિકસિત ભારત ૨૦૪૭માં સસ્ટેઈનેબલ ફાઇનાન્સનું પાયોનીયર સ્ટેટ બનશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનના મંત્ર સાથે વિકસિત ભારત @ ૨૦૪૭નો સંકલ્પ કર્યો છે. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાની સાથે ફાઇનાન્સિયલી સ્ટેબલ, સશક્ત-તંદુરસ્ત સમાજ અને પર્યાવરણનું નિર્માણ પણ જરૂરી છે. વડાપ્રધાનએ દરેક નાગરિકની સ્વૈચ્છિક સામાજિક જવાબદારીરૂપે ૯ સંકલ્પો આપ્યાં છે, જેમાં કેચ ધ રેઈન, એક પેડ માં કે નામ, સ્વચ્છતા મિશન, વોકલ ફોર લોકલ, દેશ દર્શન પ્રાકૃતિક ખેતી, હેલ્ધી જીવન શૈલી, યોગ અને રમત-ગમત, ગરીબોની સહાયતાનો સમાવેશ થાય છે. આ નવ સંકલ્પો સિદ્ધ કરવામાં 'ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા'ના સૌનું યોગદાન મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ICAI પ્રમુખ ચરણજોતભાઈ સિંહ નંદા, ઉપપ્રમુખ પ્રસન્નાભાઈ કુમાર ડી, ICAI ભૂતપૂર્વ પ્રમુખ અનિકેતભાઈ સુનિલ તલાટી, ICAIના CCM પુરુષોત્તમભાઈ ખંડેલવાલ તથા અમદાવાદ બ્રાંચ ચેરમેન નીરવભાઈ અગ્રવાલે પ્રાસંગિક વક્તવ્ય દ્વારા સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. અમદાવાદ ખાતે આયોજિત મેમ્બર્સ મીટમાં રાષ્ટ્રીય સ્તરના પદાધિકારીઓ, ટીમ અમદાવાદ બ્રાન્ચના સભ્યો, ભૂતપૂર્વ પદાધિકારીઓ તેમજ સંસ્થાના સભ્યો અને સીએનો અભ્યાસ કરતા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(10:23 PM IST)