<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

સુરતમાં ડાયમંડ કંપનીના રત્નકલાકારો હડતાળ પર

હડતાળ સતત ત્રીજા દિવસે પણ યથાવતઃસતત મંદીની સ્થિતિને કારણે તેમની આર્થિક પરિસ્થિતિ વધુ કથળતી જાય છે, જેના પગલે તેઓએ હડતાળ શરુ કરી છે

અમદાવાદ,તા.૧૮: સુરતના કતારગામમાં સ્થિત ડાયમંડ કંપની એચ.વી.કે ઇન્ટરનેશનલ પ્રા. લિ.માં રત્નકલાકારોનો ત્રીજો દિવસ હડતાળ પર પસાર થયો છે. હીરાની મજૂરીના હાલના ભાવ ૧૬.૫૦ રૃપિયામાં વધારો કરી ૧.૫૦ થી લઈ ૨ રૃપિયા સુધીના વધારાની રજૂઆતને ધ્યાનમાં લઈ બાહેધરી આપ્યા બાદ પણ વધારો કરવામાં આવ્યો ન હતો. જેને પગલે ૧૬ એપ્રિલથી કંપનીના ૮૦ જેટલા રત્નકલાકારોને હડતાળ ઉપર ઉતરવાની ફરજ પડી હતી. સતત મંદીની સ્થિતિને કારણે તેમની આર્થિક પરિસ્થિતિ વધુ કથળતી જાય છે, જેના પગલે તેઓએ હડતાળ શરુ કરી છે.હડતાળની સ્થિતિને ગંભીરતાથી લઈ લેબર વિભાગે મધ્યસ્થી માટે કાર્યવાહી હાથ ધરી છે. ડેપ્યુટી લેબર કમિશનરની અધ્યક્ષતામાં રત્નકલાકારો, ડાયમંડ વર્કર યુનિયન અને કંપની સંચાલકો વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કંપનીના સંચાલકો ભાવ વધારાના મુદ્દે સ્વીકાર ન હોવાથી બેઠક નિષ્ફળ રહી હતી.હડતાળ ત્રીજા દિવસે યથાવત રહી છે અને લેબર વિભાગે કંપની સામે કાર્યવાહી શરૃ કરી છે. કંપની દ્વારા લઘુત્તમ વેતન, બોનસ અને ગ્રેજ્યુઇટી જેવી ફરજિયાત ચુકવણીઓના રેકોર્ડ રજૂ ન કરાતા વિભાગે તેમને નોટિસ ફટકારી છે. રત્નકલાકારોએ કંપનીના અકડ વલણ સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે "માંગ સંતોષે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે".

આ મુદ્દો માત્ર એક કંપનીનો નહીં પણ સમગ્ર હીરા ઉદ્યોગ માટે ગંભીર સંકેત છે. રત્નકલાકારોના જીવનયાપન માટે યોગ્ય વળતર અને સુવિધાઓ મળવી જરૃરી છે. સરકાર અને ઉદ્યોગસંબંધિત તંત્રો વચ્ચે દ્રષ્ટિકોણ દાખવવો જોઈએ કે જેથી કામદારોના હિતોમાં નિર્ણયો લઈ શકાય અને ઉદ્યોગનું સંતુલન જળવાઈ રહે.

 

(10:34 PM IST)