<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

સુરતના પ્રજાપતિ પરિવારના સામુહિક આપઘાત:એકસાથે 3 અર્થી ઉઠતા મૃતકના માતા અને ભાભી બેભાન

ભાવનગર જિલ્લાના વતની અને હાલ સુરતના ચોકબજારમાં પરિવાર સાથે રહેતા વિપુલ પ્રજાપતિ ધંધામાં ખોટ જવાથી આર્થિક સંકડામણમાં આવી ગયા હતા

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતી તાપી નદીમાં પ્રજાપતિ પરિવારના 3 સભ્યોએ મોતની છલાંગ મારીને સામુહિક આપઘાત કર્યો હોવાના બનાવથી અરેરાટી મચી છે. જે બાદ આજે ત્રણેય મૃતદેહોની એકસાથે અર્થી ઉઠતા પરિવારજનોના હૈયાફાટ રુદનથી શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

હકીકતમાં મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના વતની અને હાલ સુરતના ચોકબજારમાં પરિવાર સાથે રહેતા વિપુલ પ્રજાપતિ ધંધામાં ખોટ જવાથી આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. જ્યારે તેમના પત્ની સરિતાબેન પણ માનસિક બીમાર રહેતા હોવાથી પરિવારે સામુહિક અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ વિપુલભાઈ પાડોશમાં રહેતા પરિવારને બગીચામાં ફરવા જવાનું કહીને પત્ની અને પુત્ર સાથે ઘરેથી નીકળી ગયા હતા. જે બાદ સમગ્ર પરિવારે ગળતેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતી તાપી નદીમાં કૂદકો મારીને આપઘાત કરી લીધો હતો.

સવારે પતિ-પત્ની અને પુત્રનો મૃતદેહ કતારગામમાં રહેતા વિપુલ પ્રજાપતિના મોટાભાઈના ઘરે લાવવામાં આવ્યા હતા. જ્યાં પરિવારના સભ્યોના હૈયાફાટ આક્રંદથી ગમગીની છવાઈ જવા પામી હતી. બીજી તરફ એકસાથે ત્રણેયની અર્થી નીકળતા વિપુલભાઈના ભાભી અને તેમની માતા રડતા-રડતા બેભાન બની ગયા હતા. જે બાદ ત્રણેયની અંતિમવિધિ જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્રના સ્મશાનમાં કરવામાં આવી હતી.

 


 

(11:21 PM IST)