News of Monday, 21st April 2025
અસહ્ય ગરમીની ઇફેક્ટઃ એસી, કૂલર, ફ્રિઝ અને પંખાની માંગ આસમાને
ગરમીનો પારો સોના-ચાંદીના ભાવની જેમ ઊંચકાતા ઈલેક્ટ્રોનિક બજારમાં તેજી જોવા મળી લગ્ન કે સામાજિક-ધાર્મિક પ્રસંગો માટે ભાડેથી મળતા કૂલર-પંખાની માગઃ એસી ડિલિવરી ફટાફટ, ફિટિંગ માટે ૩ દિવસઃ પંખા-કૂલર માટે પણ વેઇટિંગ છે

અમદાવાદ તા.ર૧: ગરમીનો પારો સોના-ચાંદીના ભાવની જેમ ઉપર જઇ રહ્યો છે ત્યારે ગરમીમાં ઠંડક માટે એર કન્ડિશન મશીન, પંખા અને કૂલરની માગ પણ ખૂબ જ વધી છે. ફ્રીઝની પણ માગ બમણી થઇ ગઇ છે. તેથી ઇલેક્ટ્રોનિક બજારમાં તેજી જોવા મળી રહી છે.
અમદાવાદમાં અસહ્ય ગરમી શરૂ થઇ ગઇ છે. તંત્રે આવી આકરી ગરમીમાં લૂ લાગવા કે ડિહાઇડ્રેશનથી બચવા માટે બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની ગાઇડલાઇન જારી કરી દીધી છે. આવી પરિસ્થિતિમાં ઠંકડ માટે ઘરમાં એસી અને કૂલરની માગ ખૂબ જ વધી છે. અમદાવાદ વેપારી સંઘના મેઘરાજ ડોડવાણીના મતે કૂલર અને એસીની માગ લગભગ બમણી થઇ ગઇ છે. પંખાની પણ માગ ખૂબ જ વધી છે. તેમના મતે અમદાવાદની ગરમીમાં હવે એસી વગર રહેવું લગભગ અશકય બની ગયું છે ત્યારે કંપની કે ફેક્ટરીઓમાં ઠંડક માટે કૂલરનો ઉપયોગ થઇ રહ્યો છે. પંખા તો સદાબહાર છે, તેમાં લોકો ગરમીમાં ગેલેરીમાં પણ પંખા નખાવતા હોય છે. ગમે ત્યાં લઇ જવામાં સરળતા રહે તેવા ટેબલ ફેનની પણ ખૂબ જ માગ છે. આટલી ગરમીમાં હવે ઠંડુ પાણી, ઠંડી છાશ કે ઠંડા શરબતથી લોકો શરીરને ઠંડક આપતા હોય છે માટે ઉનાળાની શરૂઆતથી જ ફ્રિઝની માગ પણ વધી છે.
બે- ચાર વર્ષ બાદ એસીમાં સર્વિસ કરાવવામાં આવે ત્યારે ટેકનિશિયન એસીનો ગેસ પૂરો થઇ ગયો છે માટે ભરાવવો પડશે તેમ કહેતો હોય છે. જો કે એસીમાં ગેસ પૂરવાનો અલગથી ચાર્જ વસૂલ કરવામાં આવતો હોય છે. ચાલુ વર્ષે એસીના ગેસની અમદાવાદમાં ખાસ્સી અછત છે. તાજેતરમાંજ વાસણાના એક મકાનમાં એસીના માટેના ગેસનો સ્ટોક કરવામાં આવ્યો હતો. જ્યાં ભયાનક આગ લાંગતાં હજારો કિલો ગેસ બળી ગયો હતો. તેથી ગેસની અછત છે. આ ઉપરાંત તંત્ર પણ આ ગેસનો ગેરકાયદે વેપલો થાય નહીં તે માટે એલર્ટ છે તેથી ગેસની અછત છે.
હવે લગ્નસરો શરૂ થઇ ગયો છે. ખૂબ ગરમીમાં લગ્નમાં લોકોને ઠંડક મળી રહે તે માટે ભાડે મળતા મોટા પંખા અને કૂલરની ખૂબ જ માગ છે. આ પંખા -કૂલર માટે પણ વેઇટિંગ છે. લગ્ન ઉપરાંત સામાજિક અને ધાર્મિક -સંગોમાં પણ કૂલર-પંખની ખાસ્સી માગ છે. ઠંડા પાણીના જગનો ઉપાડ પણ વધ્યો છે.
અમદાવાદ સહિત દેશભરમાં આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે. જેને કારણે એસીની માગ વધી ગઈ છે. કંપની એસી એક મિનિટમાં ડિલિવરી કરી દે છે પરંતુ એસી ઘરમાં ફિટિંગ કરાવવા માટે માણસો મળતા નથી. તેથી એસી ફિટ કરાવવાનું ત્રણ દિવસનું વેટિંગ અમદાવાદમાં ચાલી રહ્યું છે. હોસામા સૈયદના જણાવ્યા મુજબ એસી ફિટ કરાવવા માટે ઓછામાં ઓછા ત્રણ દિવસ તો રાહ જોવી જ પડે. કંપની ફિટિંગ માટે જે માણસો મોકલી આપે છે તેમની પાસે પણ ટાઈમ નથી માટે ત્રણ દિવસ બાદ જ એસી ફિટ થાય છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
