<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

ટોપ ટુ બોટમ આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક?

હર્ષ સંઘવીએ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયને સાથે રાખી અમિતભાઈ સાથે બેઠક યોજી હોવાની ચર્ચા હોટ ટોપિક બની રહી છે : કેન્દ્રીય ગૃહમંત્રી ૪ માસમાં ત્રણ વખત આવવા છતાં ટાઇટ શેડ્યુલને કારણે બેઠક ન થતા જાગેલ નિરાશાએ ફરી આશાનું કિરણ જગાવ્યું સરકારના આંખ, કાન જેવા આઇબી વડા, સ્થાનિક તંત્રની બેદરકારી સમયે સરકારનું ધ્યાન દોરી સીધા ત્રાટકતી સીઆઇડી ક્રાઇમ વડા જગ્યા, ડીઆઇજી બન્યા બાદ એસપી તરીકે જ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ઘટના, અમદાવાદ રેન્જ ખાલી, એસપી ર્પોસ્ટીંગ જેવા પેન્ડિંગ પ્રશ્નો વિપક્ષો માટે સરકારની ફજેતી કરવાની તક પૂરી પાડી રહ્યા છે કેન્દ્ર હાઈ કમાન્ડ વતી નિર્ણય લેવાની સત્તા ધરાવતા કે. કે. ગુજરાત છોડતા અનેક પ્રશ્નો ગૂંચવાઇ ગયા, મુખ્ય પોલીસ વડા પણ જૂન માસમાં નિવૃત થાય છે.

રાજકોટ તા.૨૧: કેન્દ્ર હાઈ કમાન્ડના હાથ પગ અને કાન જેવા કે. કે. અર્થાત્ કે.કૈલાશનાથન ગુજરાત છોડી પોંડિચેરી લેફ્ટેનન્ટ ગવર્નર બન્યા પછી ગુજરાતનું વહીવટી તંત્ર અને ખાસ કરી પોલીસ તંત્ર ખૂબ ગોટે ચઢ્યું હોય તેમ આઇપીએસ લેવલે મહત્વના જેવા કે આઇબી વડા, સીઆઇડી ક્રાઇમ વડા, અમદાવાદ રેન્જ, ઘણા એસપીના પોસ્ટિંગ બાકી અને ગુજરાતના ઇતિહાસમાં કદી ન બન્યું હોય તેમ એસ.પી. ડીઆઇજી બન્યા પછી પણ એસપી તરીકે જગ્યા અપગ્રેડ કરી ચાલુ રહેવા જેવી સ્થિતિ સર્જાય છે.

રાજ્યના મુખ્ય પોલીસ વડા બિન વિવાદી આઇપીએસ વિકાસ સહાય જૂન માસમાં નિવૃત્ત થાય છે. આમ છતાં કોઈ હિલચાલ નથી. તેમને એકસ્ટેન્શન આપવું કે નહીં તે બાબતે પણ કોઈ નિર્ણય ન થવાથી તંત્ર અનિર્ણિત સ્થિતિમાં પડ્યું છે.                               

અમિતભાઈ શાહ નવા વર્ષના ૪ માસ દરમિયાન ત્રણેક વખત અમદાવાદ આવ્યા ત્યારે રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી તેમની પાસેથી લિસ્ટ એપ્રુવ કરાવી લીલી ઝંડી મેળવી લેશે તેવી વ્યાપક માન્યતા આઇપીએસ અધિકારીઓમાં હતી. પરંતુ આ આશા નિરાશામાં ફેરવાય ગયેલ છે. રાજ્ય સરકાર પણ આ બાબતે મનોમન ચિંતિત છે. આ પરિસ્થિતિ અંગે વિરોધ પક્ષ પણ સરકાર કાયદો વ્યવસ્થા પ્રશ્ને કેટલી લાપરવાહ છે તેની ટીકાઓ કરવાની તક મળી છે.

આઇપીએસ વર્તુળોમાં ચાલતી ચર્ચાઓ મુજબ તાજેતરમાં દિલ્હી ખાતે અમિતભાઈ શાહ સાથે આઇપીએસ ફેરફાર અંગે ચર્ચા થયેલ હોવાની જોરદાર ચર્ચાઓ છે. આ મુલાકાત સમયે જૂનમાં નિવૃત થતા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત હતા. આ ચર્ચામાં જો તથ્ય હોય તો આઇપીએસ અધિકારીના મોટા પાયે ફેરફાર આવશે. જો ઢીલ થશે તો રથયાત્રાના બહાના હેઠળ લાંબો ઇન્ટરવેલ પડવાનો ભય સતાવી રહ્યો છે.

(11:52 AM IST)