News of Monday, 21st April 2025
બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શેમ્પુનું વેચાણ :સુરતના અમરોલી પોલીસનો ગોડાઉનમાં દરોડો નકલી શેમ્પુનો 16.36 લાખનો જથ્થો જપ્ત
ભળતી કંપનીના શેમ્પુને હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીના ઓફિશીયલ લોગો અને કંપની જેવા સ્ટીકર બનાવી બોટલમાં પેક કરી રીટેઇલ માર્કેટમાં અને ફ્લીપકાર્ટ નામની ઓનલાઈન શોપીંગ એપ્લિકેશન ઉપર વેચાણ કરતા હતા

સુરત : રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે સુરતમાં અમરોલી પોલીસે એક ગોડાઉનમાં રેડ કરીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શેમ્પુનું વેચાણ ઝડપી પાડ્યું હતું. પોલીસે દરોડો પાડતા ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પુનો 16.36 લાખનો જથ્થો મળી આવ્યો હતો. જેનું ઇ-કોમર્સ પર વેચાણ કરવામાં આવતું હતું. આ મામલે પોલીસ દ્વારા એકની ધરપકડ કરાઈ છે જયારે બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
અમરોલી પોલીસે બાતમીના આધારે છાપરાભાઠા રોડ સ્થિત હિલ્ટન બિઝનેશ હબના બીજા માળે ઓફિસમાં દરોડા પાડયા હતા. જયાં જાણીતી પી એન્ડ જી (પ્રોક્ટર એન્ડ ગેમ્બલ) પ્રા. લિ. કંપનીની ડિલરશીપ ન હોવા છતા તેઓ ડુપ્લીકેટ હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પુનું વેચાણ કરતા હતા. ભળતી કંપનીના શેમ્પુને હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીના ઓફિશીયલ લોગો અને કંપની જેવા સ્ટીકર બનાવી બોટલમાં પેક કરી રીટેઇલ માર્કેટમાં અને ફ્લીપકાર્ટ નામની ઓનલાઈન શોપીંગ એપ્લિકેશન ઉપર વેચાણ કરતા હતા.
પોલીસે કોપીરાઈટ એક્ટ અને ધી ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ભળતી કંપનીના શેમ્યુનો જથ્થો, ઓફિશીયલ લોગો સહિતના બોગસ સ્ટીકર વિગેરે મળી કુલ રૂ.16.36 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હિતેશ ધીરૂભાઈ શેઠની ધરપકડ કરી હતી. હિતેશની પૂછપરછમાં પોતે નોકરી કરે છે અને માલિક ડેનીશ વિરાણી અને જેમીલ ગાબાણી છે. જેથી પોલીસ બંને ભાગીદારને વોન્ટેડ જાહેર કર્યા છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
