News of Monday, 21st April 2025
અમદાવાદમાં પૂર્વ IPS અધિકારીના પત્ની સાથે પ્લોટના સોદાના બહાને 18 લાખની છેતરપિંડી: ડ્રાઈવર વિરુદ્ધ ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ
આરોપી ડ્રાઈવર ભાવિક પંચાલની શોધખોળ શરૂ:પોલીસ દ્વારા પૂરાવાઓ એકત્ર કરવા અને દલાલ તથા બેંક વ્યવહારોની તપાસ

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી એક ચોંકાવનારો છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે, જેમાં ગુજરાત પોલીસના રિટાયર્ડ IG અને IPS અધિકારી મયંકસિંહ ચાવડાની પત્ની મીનલબા ચાવડા સાથે તેમના જ ઓળખીતા ડ્રાઈવરે રૂ. 18 લાખની છેતરપિંડી આચરી છે.
ફરિયાદ મુજબ, તા. 10 નવેમ્બર 2024ના રોજ મીનલબાને તેમના ડ્રાઈવર ભાવિક પંચાલે જણાવ્યું હતું કે શીલજ વિસ્તારમાં પ્લોટ વેચાવાના છે અને ભાવ રૂ. 80,000 પ્રતિ વારમાં હશે. આ વાત પર મીનલબાએ તેમના પતિ સાથે ચર્ચા કરીને જમીન ખરીદવાની તૈયારી બતાવી.
પ્રથમ દ્રષ્ટિએ વિશ્વાસ થતો હોવાથી, દલાલ તરીકે જણાવાયેલા કેતુર ઠાકોર સાથે મળીને જમીન પણ બતાવવામાં આવી. જમીન જોઈને ખાતરી થયા બાદ, ટોકન પેટે રૂ. 5 લાખ રોકડ અને ત્યારબાદ રૂ. 13 લાખનો ચેક અપાયો હતો, જે ભાવિકે પોતાનાં ખાતામાં જમા પણ કરાવ્યો.
જ્યારે પણ મીનલબા અને તેમના પતિ ભાવિક પાસે જગ્યા અને દસ્તાવેજ અંગે પૂછપરછ કરતાં, તે વારંવાર "ખેડૂતને મળાવુ", "સંપર્ક કરું છું" જેવી વાતો કરીને સમય પસાર કરતો રહ્યો. તા. 28 નવેમ્બર 2024થી ભાવિકનો ફોન બંધ આવતા શંકા વધુ મજબૂત બનતી ગઈ.
અંતે, મીનલબાએ સીધો દલાલ કેતુર ઠાકોરનો સંપર્ક કર્યો, જેઓએ ખુલાસો કર્યો કે તેઓ માત્ર જમીન બતાવવા સુધી જ જવાબદાર હતા અને તેઓને ન તો કોઈ રકમ મળેલી છે અને ન તો ભાવિક ત્યારબાદ ક્યારેય મળ્યો છે. આ સમગ્ર ઘટનાથી એ સ્પષ્ટ થયું કે 18 લાખની રકમ જમીનના માલિક સુધી ગઈ જ ન હતી, અને ભાવિકે જ છેતરપિંડી કરી હતી.ત્યારબાદ મીનલબાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ટીવી 13 ના સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર, પૂર્વ IPS મયંક ચાવડાનો વર્ષોથી ભાવિક પંચાલ વિશ્વાસુ માણસ હતો. અને જ્યારે મયંક ચાવડા અમદાવાદ શહેરમાં જેસીપી ટ્રાફિક હતા. તે દરમિયાન ભાવિક પંચાલ શિવરંજની ખાતે ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતો હતો. વિશ્વાસુ હોવાના કારણે મયંક ચાવડાએ અનેકો જવાબદારી સોંપી હતી. તેના માટે એક i20 કાર પણ લઈ આપી હતી. અને વિશ્વાસમાં લઈને ઘણા બધા લાભો પણ લીધા છે. પૂર્વ IPS ના પરિવાર સાથે તે વિદેશ યાત્રા પણ કરી ચૂક્યો છે. ભાવિકે ખોખરા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પણ છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવી છે.
હાલમાં ચાંદખેડા પોલીસે મથકે ગુનો નોંધ્યો છે અને આરોપી ડ્રાઈવર ભાવિક પંચાલની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા પૂરાવાઓ એકત્ર કરવા અને દલાલ તથા બેંક વ્યવહારોની તપાસ ચાલી રહી છે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
