News of Monday, 21st April 2025
પાટણમાં લાંચ લેતા સહકારી અધિકારી ACBના છટકામાં ઝડપાયા
ધીરધારની ઓનલાઈન એન્ટ્રી સુધારવા માટે ₹ 8,800ની લાંચ માંગનાર હેડ ક્લાર્ક રંગેહાથ પકડાયો

પાટણ: આજે પાટણ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી કચેરીના સહકારી અધિકારી ધીરધાર (હેડ ક્લાર્ક) રણછોડભાઈ લક્ષ્મણભાઇ ગોહિલને ₹ 8,800ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
આ ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદી નાણાં ધીરધારનો વ્યવસાય કરે છે અને સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલમાં લોન લેનારની એન્ટ્રીઓમાં ભૂલો હતી. આ ભૂલો સુધારવા માટે ફરિયાદી આરોપી રણછોડભાઈ ગોહિલને મળ્યા હતા. ત્યારે આરોપીએ એક એન્ટ્રી સુધારવાના ₹ 400 લેખે ફરિયાદીની 22 એન્ટ્રીઓના કુલ ₹ 8,800ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
લાંચની રકમ આપવા ઈચ્છતા ન હોવાથી ફરિયાદીએ પાટણ ACBનો સંપર્ક કર્યો હતો. આજે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર લાંચની રકમ ₹ 8,800 સ્વીકારી હતી, જ્યાં ACBની ટીમે આરોપીને સ્થળ પર જ પકડી લીધો હતો.
આ સફળ ટ્રેપિંગની કાર્યવાહી ટ્રેપીંગ અધિકારી શ્રી એમ.જે.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, ACB પોસ્ટે, પાટણ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું સુપરવિઝન શ્રી કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક, ACB બોર્ડર એકમ, ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું. ACB દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
