News of Monday, 21st April 2025
કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા ગાંધીનગરમાં NSDC-PDEU સેન્ટર ઓફ એક્સલન્સનું ભવ્ય લોન્ચિંગ: ગુજરાત શૈક્ષણિક પરિવર્તનમાં દેશને રાહ ચીંધશે - જયંત ચૌધરી
આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં આ સેન્ટર ઓફ એક્સલન્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે - એસ સુંદર મનોહર

ગાંધીનગર, તા. : માનનીય કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ આજે ગુજરાતના ગાંધીનગર ખાતે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત અત્યાધુનિક સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)નું ઉદ્ઘાટન કર્યું હતું.
લોન્ચિંગ સમારોહને સંબોધતા જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, “યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ આપતી સંસ્થાઓ નથી પરંતુ તે એક એવો પુલ છે જે યુવા દિમાગને વાસ્તવિક દુનિયાની સતત બદલાતી પરિસ્થિતિઓ સાથે જોડે છે. વિદ્યાર્થીઓને ટેકનિકલ રીતે સક્ષમ બનાવીને અને તેમને વિવિધ પ્રકારનું જ્ઞાન આપીને, યુનિવર્સિટીઓ તેમને વિવેચનાત્મક રીતે વિચારવા, નવી શોધો કરવામાં આગળ વધવા અને અસરકારક રીતે પરિવર્તનો સ્વીકારવા માટે સશક્ત બનાવે છે. યુવા વિકાસની આ સફરમાં, ગુજરાત એક અગ્રેસર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉદ્યોગો સાથે ભાગીદારી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને યુનિવર્સિટીઓ એવા વિદ્યાર્થીઓનું નિર્માણ કરી રહી છે જેઓ માત્ર તેમની કારકિર્દી માટે જ નહીં પરંતુ એક વિચારશીલ, સર્જનાત્મક અને રાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ નાગરિક બનવા માટે પણ તૈયાર છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સમગ્ર દેશની યુનિવર્સિટીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે વિદ્યાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર કૌશલ્યની તાલીમ મળે. “આપણે યુનિવર્સિટીઓને નવીનતા માટે સક્ષમ બનાવવાની જરૂર છે. તે દેશના વિકાસમાં મોટું યોગદાન આપશે. હાલમાં ખાનગી કંપનીઓ ઘણી રીતે નવીનતા લાવે છે, પરંતુ તે સ્વાભાવિક રીતે તેમના પોતાના ફાયદા માટે હોય છે. જ્યારે યુનિવર્સિટીઓ નવીનતા લાવે છે, ત્યારે તેનો ફાયદો સમગ્ર દેશને મળે છે.”
આ CoE અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ ધરાવતી પ્રયોગશાળાઓથી સજ્જ હશે જે વિશેષ તાલીમ પૂરી પાડશે. આ સેન્ટર સેમિકન્ડક્ટર ઉત્પાદન, નવીનીકરણીય અને બિન-નવીનીકરણીય ઊર્જા, ડિજિટલ એજ અને સ્માર્ટ ઉત્પાદન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં 40 થી વધુ ઓનલાઈન અને હાઇબ્રિડ અભ્યાસક્રમો પ્રદાન કરશે.
આ મહિનાની શરૂઆતમાં NSDC અને PDEU વચ્ચે આ અંગે એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ 40 અભ્યાસક્રમો ITI, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ પૂરી પાડશે. આ અભ્યાસક્રમો ટિયર-1, ટિયર-2 અને ટિયર-3 સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઊર્જા, આરોગ્ય, પાણી અને ખોરાક જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિશિષ્ટ મેન્યુફેક્ચરિંગ કૌશલ્ય સમૂહોમાં વ્યવહારુ અનુભવથી સજ્જ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
NSDC ના સીઈઓ અને NSDC ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર વેદમણિ તિવારીએ જણાવ્યું હતું કે, "ભારત તેના યુવાનો માટે એક નવા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે, ઝડપથી બદલાઈ રહેલા સમય અનુસાર તેમની અંદર જરૂરી કૌશલ્ય વિકસાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાઈના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) દ્વારા ગ્લોબલ સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાની તાલીમ મળે છે અને તેઓ આંતરરાષ્ટ્રીય જોબ માર્કેટમાં આત્મવિશ્વાસથી આગળ વધી શકે છે.”
ભારતને ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક નેતા બનાવવા અંગે તેમણે વધુમાં કહ્યું હતું કે, “હાઇડ્રોજન ઉત્પાદનના મહત્વપૂર્ણ ક્ષેત્ર સહિત, નવીનીકરણીય અને બિન-નવીનીકરણીય ઊર્જા તકનીકોમાં અત્યાધુનિક તાલીમને સામેલ કરીને, ભારત તેના વિદ્યાર્થીઓને વૈશ્વિક ઊર્જા ક્રાંતિમાં મોખરે રહેવા માટે તૈયાર કરી રહ્યું છે. આ વિશિષ્ટ અભ્યાસક્રમો સમગ્ર ભારતના યુવાનો માટે સરળતાથી ઉપલબ્ધ થશે. આ માત્ર કૌશલ્ય નિર્માણ જ નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણ છે. આ અભૂતપૂર્વ પ્રયાસોથી દેશના યુવાનોની ક્ષમતામાં વધારો થવાની સાથે ભારત ઊર્જા ક્ષેત્રમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત થશે.”
PDEU ના ડાયરેક્ટર જનરલ એસ સુંદર મનોહરએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાઈના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતમાં યુવાનોને સશક્ત બનાવવા તેમજ કૌશલ્ય વિકાસને આગળ વધારવાના તેમના મિશનને અનુરૂપ PDEU દેશભરમાં મોટી સંખ્યામાં નાગરિકોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આત્મનિર્ભર અને વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં આ સેન્ટર્સ ઓફ એક્સલન્સની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.”
CoE ના સરળ સંચાલનમાં અને વિદ્યાર્થીઓને કાર્યક્રમોની સરળ ઉપલબ્ધિમાં NSDC મુખ્ય ભૂમિકા ભજવશે. તે સમયાંતરે પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરશે જેથી વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત તાલીમ મેળવી શકે અને ભવિષ્યની નોકરીઓ માટે તૈયાર થઈ શકે.
ઊર્જા સંક્રમણ અને કૌશલ્ય વિકાસમાં અગ્રેસર PDEU, સૌર અને પવન ઊર્જા, લિથિયમ અને વેનેડિયમ ઊર્જા સંગ્રહ, કાર્બન કેપ્ચર અને સ્માર્ટ હાઇબ્રિડ ગ્રીડ સહિત વિવિધ ક્ષેત્રોમાં તેની કુશળતાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને આ ક્ષેત્રોમાં કારકિર્દી માટે તૈયાર કરશે. તે 45 મેગાવોટ સોલર પીવી મેન્યુફેક્ચરિંગ લાઇન અને ATMP સેમિકન્ડક્ટર પેકેજિંગ લાઇન સહિત ઇન્ડસ્ટ્રી-સ્ટાન્ડર્ડ મેન્યુફેક્ચરિંગ લાઇનો સાથે વિદ્યાર્થીઓને સશક્ત બનાવશે.
NSDC અને PDEU વચ્ચેની આ ભાગીદારી ભવિષ્ય માટે તૈયાર કાર્યબળના નિર્માણ તરફ એક પરિવર્તનશીલ પગલું છે, જે ભારતના આર્થિક વિકાસ અને ટેકનોલોજીકલ નેતૃત્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે મેક-ઇન-ઇન્ડિયા રેડીનેસ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આત્મનિર્ભર ભારતની પ્રગતિને વધુ વેગ આપશે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
