તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
રાજ્યના ખેડૂતો માટે ખુશખબર : મંત્રી રાઘવજીભાઈ પટેલે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો : 3.36 લાખ મેટ્રિક ટન ચણા અને 1.29 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી થશે : 4.5 લાખથી વધુ ખેડૂતોને મળશે સીધો લાભ
179 કેન્દ્રો પરથી ચણા અને 87 કેન્દ્રો પરથી રાયડાની ખરીદી : 2670 કરોડ રૂપિયાથી વધુની ખરીદીથી ખેડૂતોને મળશે મોટી રાહત

ગાંધીનગર : રાજ્યના ખેડૂતો માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ હતો. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ અવસરે જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ ૩.૩૬ લાખથી વધુ ખેડૂતોએ અને રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ ૧.૧૮ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા ૧૭૯ ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા ૮૭ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ કુલ ૧,૯૦૩ કરોડ રૂપિયાના મૂલ્યનો ૩.૩૬ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો અને ૭૬૭ કરોડ રૂપિયાના મૂલ્યનો ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવીને તેમની આવક વધારવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી આજથી શરૂ કરવામાં આવી છે, તેમ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું હતું.
આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, ખેતી નિયામક પ્રકાશ રબારી ભાઈ સહિત કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ, વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ ખરીદ કેન્દ્રો ખાતેથી અધિકારીઓ અને ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ની રવિ સીઝન દરમિયાન ચણા માટે ૫,૬૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (૧,૧૩૦ રૂપિયા પ્રતિ મણ) અને રાયડા પાક માટે ૫,૯૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (૧,૧૯૦ રૂપિયા પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કર્યો હતો.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
