તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
ગુજરાતી સિનેમા માટે ખુશખબર: વર્ષ-૨૦૨૪ના પારિતોષિક માટે અરજીઓ મંગાવાઈ
ગુણવત્તાયુક્ત ફિલ્મોને પ્રોત્સાહન આપવા સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રોને ગુણવત્તાયુક્ત બનાવવા અને તેને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 'ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯' અંતર્ગત વર્ષ-૨૦૨૪ માટે 'ગુજરાતી ચલચિત્ર પારિતોષિક' માટે નિર્માતાઓ પાસેથી નામાંકન અરજીઓ મંગાવવામાં આવી છે. આ પારિતોષિકો ગુજરાતી ફિલ્મોના કલાકારો અને ટેકનિશિયનોને વિવિધ શ્રેણીઓમાં રોકડ પુરસ્કાર રૂપે એનાયત કરવામાં આવશે.
માહિતી ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, કેલેન્ડર વર્ષ-૨૦૨૪ દરમિયાન નિર્માણ પામેલા અથવા પ્રસારિત થયેલા ગુજરાતી ચલચિત્રો, દસ્તાવેજી ચિત્રો અને બાળચિત્રોના સંબંધિત નિર્માતાઓ આ પારિતોષિક માટે અરજી કરી શકે છે. જે ગુજરાતી ચલચિત્રો જાન્યુઆરી-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન ગુજરાત રાજ્યના લાયસન્સ ધરાવતા સિનેમાગૃહોમાં પ્રથમ વખત પ્રદર્શિત થયા હોય તે પણ આ એવોર્ડ માટે અરજી પાત્ર ગણાશે.
શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર કસબીઓને આ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે. આ માટે અરજી કરવાની અંતિમ તારીખ ૩૦મી એપ્રિલ, ૨૦૨૫ છે. રસ ધરાવતા નિર્માતાઓ નિયત નમૂનાનું અરજીપત્રક અને જરૂરી માહિતી માહિતી ખાતાની વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે.
ભરેલી અરજીઓ નિયત સમય મર્યાદામાં માહિતી નિયામકશ્રીની કચેરી, ફિલ્મ પ્રોડક્શન શાખા, બ્લોક નં.૧૯, પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે જમા કરાવવાની રહેશે. આ પહેલ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વધુ વેગ આપશે અને ગુણવત્તાયુક્ત ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહન આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
