News of Tuesday, 22nd April 2025
સોનાનો ભાવ એક લાખે પહોંચ્યોઃ બજારમાં સોપો
બજારમાંથી ખરીદી લગભગ બંધ થઇ જતાં વેપારીઓ દ્વિધામાં

અમદાવાદ તા.૨૨: સોના-ચાંદીના ભાવમાં થયેલા અસાધારણ વધારાને કારણે સોની બજારમાં સોપો પડી ગયો છે. ત્રણ દિવસની રજા બાદ સોમવારે ઉઘડતા બજારે ૧૦ ગ્રામ સોનાના ભાવ એક લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીના કિલોના ભાવ ૯૬ હજારે પહોંચી ગયો છે. તેને લઇને સોની બજારમાં સોપો પડી ગયો છે. આટલા બધા ભાવને લઇને ખરીદી બંધ થઇ ગઇ છે.
એક તરફ ટેરિફ વોર અને દુનિયાભરના દેશોમાં સોનાની માગ સતત વધતા સોનાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ૯૦ હજારે પહોંચી ગયેલા સોનાના ભાવ ૯૭ હજારે પહોંચી ગયા હતા. ત્યારે જ ત્રણ દિવસની રજા બાદ સોમવારે બજાર ખૂલતાં સોનાનો ભાવ એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. એક લાખના ભાવ સાથે બજાર ખૂલતા સોની બજારના વેપારીઓ ચિંતિત છે. લાખ રૂપિયાનો ભાવ થતા ખરીદી લગભગ બંધ થઇ ગઇ હતી અને સોની બજારમાં સોપો પડી ગયો હતો. સોની બજારના વેપારીઓ રિતેશ આદેશરા અને નિશાંત સોનીના જણાવ્યા મુજબ ચાઇના- અમેરિકા વચ્ચેની ખેંચતાણને લીધે દુનિયાભરમાં સોનાની ખરીદી શરૂ થતા સોનાના ભાવ વધી રહ્યા છે. ભાવની અસાધારાણ વધઘટ જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી બજારમાં અજંપાભરી સ્થિતિ રહેવાની સંભાવના છે.(૩૮.૪)
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
