<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી ઐતિહાસિક નિર્ણય : ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં મોટા ફેરફાર : સહમાલિકોની સંમતિની જરૂર નહીં : સેલ્ફ ડિક્લેરેશન માન્ય

દરેક સહમાલિકને સર્વે નંબર કે જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વિના વીજ જોડાણ મળશે : અરજદારનું નામ ૭/૧૨માં હોવું અને પાણીનો સ્ત્રોત અલગ હોવો જરૂરી

ગાંધીનગર : ગુજરાતના ખેડૂતોની મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

પ્રવર્તમાન નિયમો અનુસાર, ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે ૭-૧૨ના ઉતારામાં એકથી વધુ સહમાલિકોના નામ હોય તો, નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર સહમાલિકોનું સંમતિ પત્રક મેળવવું ફરજિયાત હતું. જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી અને આંતરિક વહેંચણી થયેલી હોવા છતાં મહેસૂલી નોંધ ન હોવાને લીધે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

આથી, ખેડૂતો તેમજ આદિવાસી વિસ્તારના ધારાસભ્યશ્રીઓની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ નિયમમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ, હવેથી સહમાલિકોના સંમતિ પત્રકની જગ્યાએ અરજદાર દ્વારા નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર આપવામાં આવેલું સેલ્ફ ડિક્લેરેશન માન્ય ગણાશે. આ નિર્ણયથી આદિવાસી વિસ્તારોના ખેડૂતોને વીજ જોડાણ મેળવવામાં નોંધપાત્ર રાહત મળશે.

આ ઉપરાંત, નિયમોમાં એક નવો મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ, જો ૭-૧૨ના ઉતારામાં એકથી વધુ સહમાલિકોના નામ હોય તો પણ, દરેક સહમાલિકને તે સર્વે નંબર અથવા જમીનના ક્ષેત્રફળને ધ્યાનમાં લીધા વિના સ્વતંત્ર વીજ જોડાણ આપવામાં આવશે. જો કે, વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ ૭/૧૨ ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ અને પાણીનો સ્ત્રોત, જેમ કે કૂવો અથવા બોર, અરજદારનો અલગ હોવો જોઈએ. અરજી સાથે, અરજદારે સંપૂર્ણ જમીનના સહભાગીદારોની અલગ સીમાઓ અને હદબંધી દર્શાવતો એક સ્પષ્ટ નકશો રજૂ કરવાનો રહેશે. નોંધનીય છે કે સહમાલિકો પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવા માટે પાત્ર રહેશે. આ સુધારાથી ખેડૂતોને સિંચાઈ અને અન્ય ખેતીકામ માટે વધુ સુવિધા પ્રાપ્ત થશે.

આમ, ધારાસભ્યો તેમજ ખેડૂતોની રજૂઆતોને સ્વીકારીને રાજ્ય સરકારે આ ખેડૂત હિતલક્ષી ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જે રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

 

(3:20 PM IST)