<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

વકફ-યુસીસી મુદ્દે સામાજીક સલામતી- શાંતિ-સદભાવના જળવાઇ રહે તેવી રીતે વર્તવા ખેડાવાલા-ગ્‍યાસુદીન શેખની અપીલ

રાજકોટ, તા., રરઃ વકફ અને યુસીસી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પ્રત્‍યે સમાજમાં ગેરસમજ ઉભી ન થાય અને કોમ-કોમ વચ્‍ચે શાંતિ, સલામતી અને સદભાવના જળવાઇ રહે તેવી તકેદારી દરેક ભારતીય નાગરીક રાખે તેવી અપીલ કોંગ્રેસના ધારાસભ્‍ય ઇમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્‍ય અને સિનીયર અગ્રણી ગ્‍યાસુદીન શેખ દ્વારા કરવામાં આવી છે.

મહાન ભારત દેશના વિશ્વના સૌથી શ્રેષ્ઠ સંવિધાને તમામ ધર્મ, જાતિઓને પોતાના ધાર્મિક સિદ્ધાંતોને આસ્‍થા પ્રમાણે ધર્મનું પાલન કરવાનો મૌલિક અધિકાર પ્રાપ્ત થયો છે ત્‍યારે સંવૈધાનિક અધિકારોના રક્ષણ માટે મુસ્‍લિમ પર્સનલ લો બોર્ડ, જમીયતે ઉલમાએ હિન્‍દ સહિત રાજ્‍યની અન્‍ય સંસ્‍થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલ આંદોલનને ગાંધીચિંધ્‍યા માર્ગે શાંતિપૂર્ણ, શિસ્‍તબદ્ધ રીતે સફળ બનાવવા સમાજ જનજાગળત થઈ આગળ આવ્‍યો તે ખૂબ જ પ્રસંશનીય આવકારદાયક બાબત છે.

વકફ અને યુસીસી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પ્રત્‍યે ગેરસમજ ઉભી ના થાય તેમજ શાંતિ-સલામતી, સદભાવના જાળવી રાખવા પ્રત્‍યે તકેદારી રાખવા નમ્ર અપીલ કરતા બંન્ને અગ્રણીઓએ આ મુદ્દે તકેદારીના પગલા સુચવ્‍યા છે.

આયોજકોએ સમગ્ર જનતાને જાહેર અપીલ દ્વારા જાણ કરવી જોઈએ કે કાર્યક્રમ માત્રને માત્ર સરકારના ગેરસંવૈધાનિક કાયદાઓ દ્વારા મુસ્‍લિમ સમાજની ધાર્મિક આઝાદી પરના પ્રહારો વિરુદ્ધ જ છે. ઉલ્લેખનીય છે કે મુસ્‍લિમ સમાજના સંબંધો અમારા મોટા ભાઈ સમાન હિન્‍દુ સમાજ સાથે હંમેશ સુમેળભર્યા રહ્યા છે અને કાયમી રહેવાના છે.

વકફ યુસીસી કાયદા વિરુદ્ધના જાહેર કાર્યક્રમ પોલીસ, કલેકટર, મામલતદાર, સ્‍થાનિક પ્રશાસનની મંજુરી મેળવ્‍યા બાદ જ યોજવા જોઈએ.

કાર્યક્રમનું આયોજન સ્‍થાનિક સામાજીક - ધાર્મિક સ્‍થાનિક સંસ્‍થાની આગેવાની હેઠળ કરવાથી હિન્‍દુ મુસ્‍લિમ એકતા અને સદભાવનાને બદઈરાદાથી રાજકીય સ્‍વરુપ આપનારા માનવતા વિરોધી તત્‍વોથી રક્ષા કરી શકાશે.

હંમેશ સુખ દુખમાં સહભાગી થતા સમાજના રાજકીય આગેવાનોના સાથ સહકાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સન્‍માનપૂર્વક આમંત્રણ આપવું જોઈએ. હિન્‍દુ-મુસ્‍લિમ ભાઈચારો, કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ તેમજ શાંતિ સદભાવનાનો માહોલ બગડવાની શકયતા હોય તેવા વિસ્‍તારોમાં સ્‍થાનિક આગેવાનોએ રેલી કાઢવાનું મોકૂફ રાખી સીધા જ કલેકટર - મામલતદારની ઓફિસે જઈને આવેદનપત્ર સુપ્રત  કરવું જોઈએ. વકફ-યુસીસી અંગેના કાર્યક્રમ ફરજિયાતપણે મૌન સ્‍વરુપે કરવાના રહેશે. રેલી, ધરણાં, પ્રદર્શનના કાર્યક્રમમાં નારાઓ લગાવવાથી તેમજ લાઉડ સ્‍પીકર અને ડીજેનો સહેજ પણ ઉપયોગ કરવો નહી.

પ્‍લે કાર્ડ અને બેનરમાં માત્રને માત્ર સરકારના ગેરસંવૈધાનિક કાયદા વિરુદ્ધની બાબતનો જ ઉલ્લેખ કરવો. આયોજકો દ્વારા ચોક્કસપણે વિડીયોગ્રાફીની વ્‍યવસ્‍થા રાખવી જેમાં કાર્યક્રમની શરૂઆતથી અંત સુધીનું તમામ ગતિવિધીઓનું રેકોડીંગ કરી શકાય તેમ  ઇમરાન ખેડાવાલા (ધારાસભ્‍ય, જમાલપુર-ખાડિયા) અને ગ્‍યાસુદ્દીન શેખ (ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન- પૂર્વ ધારાસભ્‍ય)એ પોતાના નિવેદનમાં જણાવ્‍યું છે. (૪.૩૪)

(3:29 PM IST)