<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

‘મન ફાવે ત્યાં ફરો’ યોજના : ઉનાળુ વેકેશનમાં ગુજરાતભરની મુસાફરીનો અનેરો મોકો : અમદાવાદ - સુરતના મુસાફરોએ સૌથી વધુ લાભ લીધો

છેલ્લા પાંચ વર્ષમાં ૨૫૮૦ પાસ ઇસ્યુ કરીને નિગમને રૂ.૨૧ લાખથી વધુની આવક : રાજ્યભરના પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રે ફરવા માટે આ યોજના આશીર્વાદરૂપ

અમદાવાદ: ઉનાળાના વેકેશનમાં ગુજરાતના નાગરિકો રાજ્યની કલા, સંસ્કૃતિ અને પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે, તેમજ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પોતાના વ્યવસાયના વિકાસ માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફરી શકે તે હેતુથી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘મન ફાવે ત્યાં ફરો’ યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ યોજનાનો સૌથી વધુ લાભ અમદાવાદ, રાજકોટ, મહેસાણા અને સુરતનાં મુસાફરોએ લીધો છે. છેલ્લા પાંચ વર્ષમાં નિગમે આ યોજના હેઠળ ૨૫૮૦ મુસાફરોના પાસ ઇસ્યુ કરીને રૂ.૨૧ લાખથી વધુની આવક મેળવી છે, એમ નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ યોજના હેઠળ મુસાફરો એસ.ટી.ની લોકલ, એક્સપ્રેસ અને ગુર્જરનગરી બસોમાં સાત દિવસની મુસાફરી માટે પુખ્ત વયના નાગરિકો રૂ.૧૫૯૫ અને ચાર દિવસની મુસાફરી માટે રૂ.૯૩૫ ભરીને કરી શકે છે. જ્યારે બાળકો માટે સાત દિવસની મુસાફરીનો પાસ રૂ.૮૦૦ અને ચાર દિવસની મુસાફરીનો પાસ રૂ.૪૭૦માં ઉપલબ્ધ છે.
લક્ઝરી અને નોન-એ.સી. સ્લીપર કોચમાં મુસાફરી કરવા ઇચ્છતા પુખ્ત વયના નાગરિકોએ સાત દિવસ માટે રૂ.૧૮૭૦ અને ચાર દિવસ માટે રૂ.૧૦૪૫ ચૂકવવાના રહેશે. બાળકો માટે આ જ સેવાઓ સાત દિવસ માટે રૂ.૯૩૫ અને ચાર દિવસ માટે રૂ.૫૨૫માં મળશે.

એ.સી. સીટર બસોમાં પુખ્ત વયના નાગરિકો સાત દિવસની મુસાફરી રૂ.૩૬૮૫ અને ચાર દિવસની મુસાફરી રૂ.૨૧૪૫ ભાડું આપીને કરી શકશે. જ્યારે બાળકો માટે સાત દિવસનું ભાડું રૂ.૧૮૪૫ અને ચાર દિવસનું ભાડું રૂ.૧૦૭૫ રહેશે. વોલ્વો સીટર બસમાં મુસાફરી કરવા માટે પુખ્ત વયના નાગરિકોએ સાત દિવસના રૂ.૫૬૧૦ અને ચાર દિવસના રૂ.૩૨૪૫ ચૂકવવાના રહેશે, જ્યારે બાળકો માટે આ જ પાસ સાત દિવસ માટે રૂ.૨૮૦૫ અને ચાર દિવસ માટે રૂ.૧૬૨૫માં ઉપલબ્ધ છે.

આ યોજનાનો લાભ નિગમના કોઈપણ બસ સ્ટેશન કે કંટ્રોલ પોઈન્ટ પરથી કામકાજના દિવસો દરમિયાન મેળવી શકાશે. નોંધનીય છે કે આ પાસ અન્ય કોઈ વ્યક્તિને તબદિલ કરી શકાશે નહીં અને પાસધારકે મુસાફરી દરમિયાન પોતાનું ઓળખકાર્ડ અને પાસ સાથે રાખવાનો રહેશે. પ્રવાસ રદ કરવાના સંજોગોમાં, પાસ શરૂ થવાના એક દિવસ પહેલાં રદ કરવામાં આવે તો નિયત કેન્સલેશન ચાર્જ કાપીને બાકીની રકમ પરત કરવામાં આવશે. નિગમની એક્સ્ટ્રા બસોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં અને પાસધારકે ટોલટેક્સની રકમ ફરજ પરના કંડક્ટરને અલગથી ચૂકવવાની રહેશે.

 

(1:59 PM IST)