તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 23rd April 2025
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ : ગુજરાત રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં ટોચ પર, 346 'અગ્રણી' અને 13,781 'વધુ સારું પ્રદર્શન કરનારી' પંચાયતો
ભારત સરકારના પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI)માં ગુજરાતની મોટી સિદ્ધિ : ગ્રામીણ શાસન અને ટકાઉ વિકાસમાં નવો માપદંડ સ્થાપિત

ગાંધીનગર, તા. ૨૩ એપ્રિલ: ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI)માં ગુજરાતે ગ્રામીણ શાસન અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં દેશભરમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩ના આ મૂલ્યાંકનમાં ગુજરાતની ૩૪૬ ગ્રામ પંચાયતોને 'અગ્રણી' અને ૧૩,૭૮૧ પંચાયતોને 'વધુ સારું પ્રદર્શન કરનારી' શ્રેણીમાં સ્થાન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સશક્ત ગામડાંઓ, સમૃદ્ધ દેશ'ના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતે આ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
દર વર્ષે ૨૪ એપ્રિલે ઉજવવામાં આવતો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, ૧૯૯૨માં પસાર થયેલા ૭૩મા બંધારણીય સુધારા અધિનિયમની યાદ અપાવે છે, જેણે ભારતમાં પંચાયતી રાજ પ્રણાલીની સ્થાપના કરી હતી. આ પૃષ્ઠભૂમિમાં, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતની આ સફળતા મજબૂત ગ્રામીણ શાસન અને ટકાઉ વિકાસ માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભારત સરકારના આ સૂચકાંકમાં દેશની કુલ ૨,૧૬,૨૮૫ માન્ય ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની પંચાયતોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 'અગ્રણી' પંચાયતોની સંખ્યામાં તેલંગાણા ૨૭૦ પંચાયતો સાથે બીજા ક્રમે છે, જ્યારે 'વધુ સારું પ્રદર્શન' કરનારી પંચાયતોમાં મહારાષ્ટ્ર ૧૨,૨૪૨ પંચાયતો સાથે બીજા અને તેલંગાણા ૧૦,૦૯૯ પંચાયતો સાથે ત્રીજા ક્રમે છે. સમગ્ર દેશની ૨,૫૫,૬૯૯ ગ્રામ પંચાયતોમાંથી ૨,૧૬,૨૮૫ પંચાયતોએ માન્ય ડેટા રજૂ કર્યો હતો, જેમાંથી ૬૯૯ 'અગ્રણી', ૭૭,૨૯૮ 'વધુ સારું પ્રદર્શન કરનારી' અને ૧,૩૨,૩૯૨ 'મહત્વાકાંક્ષી' પંચાયતો તરીકે ઓળખાઈ છે.
PAIના રાજ્ય નોડલ અધિકારી ડૉ. ગૌરવ દહિયા (IAS) એ આ સિદ્ધિ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "ગુજરાતની આ સફળતા રાજ્યની પાયાના વિકાસ અને ટકાઉ વિકાસ લક્ષ્યોને સ્થાનિક સ્તરે સાકાર કરવાની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. આ માટે અનેક સમીક્ષા બેઠકો, ક્ષમતા નિર્માણના સત્રો અને સંકલિત પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગુજરાતની પંચાયતોએ ડેટા આધારિત આયોજન અને વિભાગીય સંકલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 'વિકસિત પંચાયત'ના વિઝનને આધારે રાજ્ય સરકાર 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે."
પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) દેશની ગ્રામ પંચાયતોની ટકાઉ વિકાસ લક્ષ્યોને અનુરૂપ પ્રગતિને માપવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે. તેમાં ગરીબી મુક્ત અને સારી આજીવિકા, સ્વસ્થ પંચાયત, બાળ-અનુકૂળ પંચાયત, જળ-પર્યાપ્ત પંચાયત, સ્વચ્છ અને હરિયાળી પંચાયત, આત્મનિર્ભર માળખાગત પંચાયત, સામાજિક રીતે ન્યાયી અને સલામત પંચાયત, સુશાસન યુક્ત પંચાયત અને મહિલા-અનુકૂળ પંચાયત જેવા ૯ વિષયોનો સમાવેશ થાય છે, જેનું મૂલ્યાંકન ૪૩૫ સ્થાનિક સૂચકાંકો અને ૫૬૬ ડેટા પોઈન્ટ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતનું આ ઉત્કૃષ્ટ પ્રદર્શન 'વિકસિત પંચાયત'થી 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
