<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ વિરમગામ ખાતે હજ યાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો

પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને મીણબત્તી પ્રગટાવી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સામાન્ય રીતે વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના હજયાત્રીઓએ હજયાત્રામાં જવા માટે જરૂરી રસી લેવા માટે અમદાવાદ ખાતે જવું પડતું હતું. પરંતુ ધારાસભ્ય હાર્દિક પટેલના વિશેષ પ્રયત્નોના કારણે વિરમગામ ખાતે હજયાત્રીઓ માટે રસી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાના મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ વિરમગામ ખાતે હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી હોસ્પિટલ વિરમગામ ખાતે ધારાસભ્ય હાર્દિક પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને હાથમાં મીણબત્તી પ્રગટાવીને મૌન પાળી ઉપસ્થિત લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે એચડીએચ વિરમગામના અધિક્ષક દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં હજ યાત્રીઓને મેનીન્ગોકોકલ, એસ.આઇ.વી અને પોલિયો રસી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલ, નગરપાલિકાના કાઉન્સિલરો, પદાધિકારીઓ, સામાજિક રાજકીય આગેવાનો, હજ કમિટીના સભ્યો સહિત મોટી સંખ્યામાં હજયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પરિવારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ધારાસભ્ય હાર્દિક પટેલ અને હજ યાત્રાએ જઈ રહેલા ૧૦૦ વધુ મુસ્લિમ પરિવારો આ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને આતંકવાદી ઘટનાને વખોડી હતી. હજ યાત્રાએ જઈ રહેલા યાત્રિકોને સરકાર તરફથી રસી આપવામાં આવી હતી.


 

(6:44 PM IST)