<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

અલ્પેશ કથીરિયાને આપ્યો ગણેશ જાડેજાએ જવાબ :કહ્યું - પહેલા તારા ઉપર 14-14 પાટીદાર સમાજના યુવકના મૃત્યુના પાપ ધોઈ નાખ

ગણેશ જાડેજાએ જણાવ્યું કે, અહીંથી 500 કિમી દૂર બેઠા-બેઠા કેટલાક વિધ્નસંતોષીઓ અને જ્ઞાતિવાદી માનસિક્તા ધરાવતા લોકો ગોંડલને બદનામ કરવાનું કામ કરે છે

ગોંડલમાં પાટીદારોને એકજૂટ કરવા માટે સુરત ખાતે પાટીદાર યુવા અગ્રણીઓની એક બેઠક મળી હતી. જેમાં અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા, ધાર્મિક માલવિયા સહિતના આગેવાનોએ ગોંડલમાં લોકશાહીના નામે ચાલતી ખાનદાનશાહી પર સવાલ ઉઠાવ્યા હતા. એવામાં ગઈકાલે ગોંડલના સુલતાનપુર ખાતે જનઆક્રોશ સભા મળી હતી. જેમાં મંચ પરથી ગણેશ જાડેજાએ તમામ લોકોને આડેહાથ લીધા હતા.

પોતાના સંબોધનમાં ગણેશ જાડેજાએ જણાવ્યું કે, અહીંથી 500 કિમી દૂર બેઠા-બેઠા કેટલાક વિધ્નસંતોષીઓ અને જ્ઞાતિવાદી માનસિક્તા ધરાવતા લોકો ગોંડલને બદનામ કરવાનું કામ કરે છે.થોડા દિવસ અગાઉ ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના દીકરાનો એક બનાવ બન્યો હતો. જે બાદ બન્ને સમાજના આગેવાનો અને પરિવારો દ્વારા આ બાબતે સુખદ સમાધાન થયું હતુ. જે બાદ યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પાટીદાર સમાજના આગેવાન અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું, તેથી તેમને પાડી દેવા માટે એક લૉબી કામ કરવા લાગી. આથી આવા લોકોને તાકાતથી જવાબ આપવો જરૂરી છે.

સુરતની બેઠકમાં ગોંડલમાં ક્રાંતિની વાત કરનારા અલ્પેશ કથીરિયાનું નામ લઈને ગણેશ જાડેજાએ જણાવ્યું કે, અલ્પેશ ઢોલરિયા ગોંડલનો અને પાટીદાર સમાજનો દીકરો છે. જેણે ભૂતકાળમાં ગોંડલના અઢારે વર્ણના લોકો માટે કામ કર્યાં છે. તારા ઉપર 14-14 પાટીદાર સમાજના યુવકના મૃત્યુના પાપ ચે, તે પહેલા ધોઈ નાખ અને સારા કાર્યો કર.

ગોંડલમાં લોહીયાળ ખાનદાનશાહી કહેનાર મેહુલ બોઘરાને જવાબ આપતા ગણેશ જાડેજાએ જણાવ્યું કે, મેહુલ બોઘરાના વીડિયો આપણે સૌ કોઈએ જોયા જ છે. મેહુલ બોઘરાનું કામ અશાંતિ ફેલાવવાનું છે. ગુજરાત પોલીસના જવાનો પોતાના પરિવારની ચિંતા મૂકીને આપણી અને દેશની સેવા કરે છે, તેમને બદનામ કરવાનું કામ મેહુલ બોઘરા કરે છે. આવા વિધ્ન સંતોષીઓને હું એટલું જ કહીશ કે, યુદ્ધ થકી કોઈનું કલ્યાણ થવાનું નથી.આ તકે ગણેશ જાડેજાએ મંચ પરથી ગોંડલની એકતા અને પાટીદાર-ક્ષત્રિયોની એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા.

 

(7:22 PM IST)